31 May, 2025 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
પંજાબ કિંગ્સને ગુરુવારે પોતાના હોમ ગ્રાઉન્ડ મુલ્લાંપુરમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે આઠ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પૉઇન્ટ્સ ટેબલ પર નંબર વન રહેનાર પંજાબના પ્લેયર્સ મહત્ત્વપૂર્ણ મૅચમાં પાણીમાં બેસી ગયા હતા. ૨૦૧૪માં તેઓ જ્યારે છેલ્લી વાર પ્લેઑફ્સમાં પહોંચ્યા હતા ત્યારે તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૧૬૪ રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ જતાં ૨૮ રને ક્વૉલિફાયર-વન મૅચ હારી ગયા હતા.
જોકે તેમણે ક્વૉલિફાયર-ટૂ મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સને ૨૪ રને હરાવીને પહેલી વાર IPL ફાઇનલમાં એન્ટ્રી કરી હતી, પણ તેમને ફાઇનલમાં ફરી કલકત્તા સામે ૩ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સને હવે અમદાવાદમાં ૧ જૂને એલિમિનેટર મૅચની વિજેતા ટીમ સામે રમીને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે.
૨૦૧૧થી ૧૪માંથી ૧૧ વાર ક્વૉલિફાયર-વન મૅચ જીતનારી ટીમ જ ચૅમ્પિયન બની છે. IPL ઇતિહાસમાં માત્ર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ક્વૉલિફાયર-વન મૅચ હાર્યા બાદ પણ ચૅમ્પિયન બની છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈએ ૨૦૧૩ અને ૨૦૧૭માં આ કમાલ કરી બતાવી હતી. આ ઘટનાની સાથે પંજાબના ફૅન્સને છેલ્લી સાત સીઝનના આંકડા પણ હેરાન કરી રહ્યા છે. ૨૦૧૬માં ક્વૉલિફાયર-વન જીતનાર બૅન્ગલોરને ફાઇનલમાં એલિમિનેટર તથા ક્વૉલિફાયર-ટૂની વિજેતા ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હાર મળી હતી.
૨૦૧૮થી ક્વૉલિફાયર-વન મૅચ હારનારી ટીમ ચૅમ્પિયન નથી બની. ક્વૉલિફાયર-વન મૅચ જીતનારી ટીમ છેલ્લી સાત સીઝનથી ટ્રોફી ઉપાડી રહી છે. પંજાબે પોતાની પહેલી ટ્રોફી જીતવા માટે આ ટ્રેન્ડ તોડવો પડશે.
અમે લડાઈ (મૅચ) હારી ગયા છીએ, પણ યુદ્ધ (ચૅમ્પિયનશિપ) નહીં’ - ક્વૉલિફાયર-વન મૅચ હાર્યા બાદ પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર