વિજય સાથે સીઝનનો અંત લાવવા માગશે પંજાબ અને હૈદરાબાદ

22 May, 2022 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મયંક અગરવાલના નેતૃત્વવાળી ટીમ સતત બે મૅચ પણ જીતી શકી નહોતી, તો બોલરો ઈજાગ્રસ્ત થતાં હૈદરાબાદની હાલત કફોડી થઈ

વિજય સાથે સીઝનનો અંત લાવવા માગશે પંજાબ અને હૈદરાબાદ

આઇપીએલના પ્લે-ઑફમાં પ્રવેશવાની શક્યતાનો અંત આવ્યો હોવાથી હૈદરાબાદ અને પંજાબ આજે વિજય સાથે આ સીઝનનો અંત લાવવા માગશે. ગુરુવારે જ્યારે બૅન્ગલોરે ટુર્નામેન્ટના પૉઇન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ગુજરાતની ટીમને હરાવતાં આ બન્ને ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. 
ભુવી અથવા પૂરણ બનશે કૅપ્ટન
હૈદરાબાદનો કૅપ્ટન કેન વિલિયમસન પણ આ મૅચમાં નહીં રમે, કારણ કે તે બીજા સંતાનનો પિતા બનવાનો હોવાથી ન્યુ ઝીલૅન્ડ ચાલ્યો ગયો છે. તેની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમાર અથવા નિકોલસ પૂરનને કૅપ્ટન બનાવાય એવી શક્યતા છે. છેલ્લી મૅચમાં મુંબઈ સામે ત્રણ રનથી જીતીને હૈદરાબાદે સતત પાંચ મૅચમાં હારની પરંપરા તોડી હતી, તો પંજાબ દિલ્હી સામે ૧૭ રનથી હારી ગયું હતું. મયંક અગરવાલના નેતૃત્વમાં પંજાબની ટીમ સતત બે મૅચ જીતી શકી નહોતી. બૅન્ગલોરને ૫૪ રનથી હરાવનાર પંજાબની ટીમ દિલ્હી સામે ખરાબ રીતે હારી ગઈ હતી, જે મૅચ એણે કોઈ પણ હાલતમાં જીતવાની હતી. પંજાબની બૅટિંગમાં સાતત્યનો અભાવ હતો તો બોલિંગ-યુનિટ પણ મોટા સ્કોરને ડિફેન્ડ કરવામાં સક્ષમ નહોતી. 
રબાડા સૌથી પ્રભાવશાળી 
પંજાબ માટે જૉની બેરસ્ટૉ, લિઆમ લિવિંગસ્ટન, શિખર ધવન જેવા સ્ટાર બૅટર કરતાં જિતેશ શર્મા વધુ ઉપયોગી સાબિત થયો છે, જેણે ઘણી વખત મૅચને ફિનિશ કરવામાં અથવા સારો સ્કોર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બોલિંગમાં કૅગિસો રબાડા (૨૨ વિકેટ) સૌથી વધુ પ્રભાવશાળી સાબિત થયો છે, તો અર્શદીપ સિંહે (૧૦ વિકેટ) પણ યૉર્કર નાખવામાં મહારાત હાંસલ કરી છે. વળી ડેથ ઓવરમાં પણ તેણે સારો દેખાવ કર્યો હતો. 
પ્રિયમ ગર્ગે કર્યા પ્રભાવિત
બીજી તરફ હૈદરાબાદની ટીમે સતત પાંચ મૅચ જીતીને ટૉપ-ટૂમાં જવાની આશા જન્માવી હતી, પરંતુ એના બોલર વૉશિંગ્ટન સુંદર અને ટી. નટરાજન ઈજાગ્રસ્ત થતાં તેમણે સતત પાંચ મૅચ ગુમાવી હતી. કૅપ્ટન વિલિયમસનનું ખરાબ ફૉર્મ ટીમની હાલતમાં સુધારો કરી શક્યું નહોતું. બો​લિંગ ડિપાર્ટમેન્ટમાં ઉમરાન મલિકનું ફૉર્મ સારું રહ્યું હતું. હૈદરાબાદની ટીમમાં અફઘાન બોલર ફઝલહક ફારુકીએ છેલ્લી મૅચમાં સારું પ્રદર્શન કર્યું હતું. ફારુકી અને ભુવનેશ્વર તરફથી ટીમ સારા પ્રદર્શનની આશા રાખે છે. બૅટિંગમાં રાહુલ ત્રિપાઠીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. છેલ્લી મૅચમાં ટીમે પ્રિયમ ગર્ગને તક આપી હતી, જેણે તમામને પ્રભાવિત કર્યા હતા.

sports news cricket news ipl 2022