IND vs AUS: પૂજારાની 17મી સદી, બનાવ્યા બે વર્લ્ડ રેકોર્ડ

14 February, 2019 02:14 PM IST  | 

IND vs AUS: પૂજારાની 17મી સદી, બનાવ્યા બે વર્લ્ડ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાની નવી વૉલ ચેતેશ્વર પૂજારા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાની નવી વૉલ ગણાતા પૂજારાએ શાનદાર બેટિંગ કરતા ટેસ્ટ કરિયરની 17મી સેન્ચ્યુરી ફટકારી. પૂજારાએ પોતાના જ અંદાજમાં બેટિંગ કરતા 280 બોલમાં સદી ફટકારી. પૂજારાએ પોતાની આ ઈનિંગમાં 10 ચોગ્ગા સાથે સદી પૂરી કરી. આ સિરીઝમાં પૂજારાની આ બીજી સેન્ચ્યુરી છે. આ પહેલા પૂજારા એડિલેડ ટેસ્ટમાં પણ સદી ફટકારી ચૂક્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ત્રીજી સૌથી ધીમી સદી

ચેતેશ્વર પૂજારાએ પોતાની સેન્ચ્યુરી 280 બોલમાં પૂરી કરી. ઓસ્ટ્રેલિયામાં કોઈ ભારતીય બેટ્સમેને ફટકારેલી આ ત્રીજી સૌથી ધીમી સદી છે. આ લિસ્ટમાં પહેલો નંબર ટીમ ઈન્ડિયાના હાલના કોચ રવિ શાસ્ત્રીનું છે. શાસ્ત્રીએ 1992માં સિડનીમાં 307 બોલમાં સેન્ચ્યુરી ફટકારી હતી. બીજા નંબરે સુનીલ ગાવસ્કર છે, જેમણે સદી કરવા માટે 286 બોલ લીધા હતા. હવે પૂજારા 280 બોલ રમીને ત્રીજા નંબરે છે. ચોથા નંબરે મોહિન્દર અમરનાથનું નામ છે, જેમણે 273 બોલમાં સદી ફટકારી હતી.

બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં સેન્ચ્યુરી ખાસ હોય છે. વિશ્વના તમામ બેટ્સમેન આ મેચમાં સદી ફટકારવા ઈચ્છે છે, એમાંય જો ગ્રાઉન્ડ મેલબર્નનું હોય તો સદી ખાસ થઈ જાય છે. પૂજારા MCG પર રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પાંચમાં ભારતીય બેટ્સમેન છે. સૌથી પહેલા આ સિદ્ધિ સચિન તેન્ડુલકરે મેળવી હતી. સચિને 1999માં 116 રન બનાવ્યા હતા. બાદમાં સેહવાગનો નંબર આવે છે. જેમણે 2003માં 195 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

તો અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી પણ આ કામ કરી ચૂક્યા છે. આ બંને બેટ્સમેનોએ 2014માં બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ મેચમાં કોહલીએ 169 અને રહાણેએ 147 રન બનાવ્યા હતા. હવે આ લિસ્ટમાં પૂજારા પણ સામેલ છે.

cheteshwar pujara australia team india test cricket border-gavaskar trophy cricket news sports news