24 June, 2025 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૃથ્વી શૉ
ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા પૃથ્વી શૉએ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) પાસેથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માગ્યું છે જેથી તે ક્રિકેટર તરીકે પ્રગતિ અને વિકાસ માટે નવી ડોમેસ્ટિક ટીમ સાથે કરાર કરી શકે. ગઈ કાલે સાંજે MCAએ તેને નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપવાની પુષ્ટિ કરી હતી.
પૃથ્વી છેલ્લા કેટલાક સમયથી રેડ બૉલ ટીમમાંથી બહાર છે, પરંતુ તે વાઇટ બૉલ (મર્યાદિત ઓવર ફૉર્મેટ) ક્રિકેટ રમી રહ્યો છે. જોકે મેદાન પર તેના પ્રદર્શન કરતાં મેદાનની બહારના શિસ્તના મુદ્દાઓને કારણે તે વધુ ચર્ચામાં રહ્યો છે. પચીસ વર્ષના આ પ્લેયરે MCAને લખેલા લેટરમાં કહ્યું હતું કે તે મુંબઈ ટીમમાં વિતાવેલા સમય માટે આભારી છે, પરંતુ હવે તે આગળ વધવા માગે છે.
ભારત માટે પાંચ ટેસ્ટ અને છ વન-ડે રમનાર પૃથ્વીને ગયા વર્ષે નબળી ફિટનેસ અને શિસ્તના અભાવને કારણે મુંબઈ રણજી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં મુંબઈ માટે ડેબ્યુ કરનાર પૃથ્વી છેલ્લે ડિસેમ્બર ૨૦૨૪માં મુંબઈ માટે મધ્ય પ્રદેશ સામે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીની ફાઇનલમાં રમ્યો હતો.
પૃથ્વી શૉ એક અસાધારણ પ્રતિભા છે અને તેણે મુંબઈ ક્રિકેટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને તેને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.
- મુંબઈ ક્રિકેટ અસોસિએશન