20 April, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલકત્તા સામેની મૅચ બાદ ચહલને મળીને ખૂબ જ ખુશ જોવા મળી હતી પ્રીતિ ઝિન્ટા.
બૉલીવુડ સ્ટાર અને પંજાબ કિંગ્સની માલિકણ પ્રીતિ ઝિન્ટાએ લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ માટે એક ઇમોશનલ પોસ્ટ કરી છે. મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચાર વિકેટ લઈને ચહલે ૧૧૧ રનનો લોએસ્ટ ટોટલ ડિફેન્ડ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પ્લેયર ઑફ ધ મૅચ બનેલા યુઝી સાથેનો હાલનો અને ૨૦૦૯નો એક જૂનો ગ્રુપ ફોટો શૅર કરીને પ્રીતિ ઝિન્ટાએ ક્રિકેટ-ફૅન્સને પણ ખુશી કરી દીધા હતા.
૨૦૦૯માં ચંડીગઢમાં કિંગ્સ કપ દરમ્યાન યુઝવેન્દ્ર ચહલ અને પ્રીતિ ઝિન્ટા.
પ્રીતિ ઝિન્ટાએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું ૨૦૦૯માં ચંડીગઢમાં કિંગ્સ કપ દરમ્યાન યુઝીને મળી હતી. હું ક્રિકેટમાં નવી હતી અને તે ૧૯ વર્ષથી ઓછી ઉંમરનો યુવાન ક્રિકેટર હતો. વર્ષોથી મેં તેને ખીલતો અને ક્રિકેટજગતમાં એક શક્તિ બનતો જોયો. મને તેનું સ્પર્ધાત્મક વલણ ખૂબ ગમતું હતું અને હું હંમેશાં તેને મારી ટીમમાં ઇચ્છતી હતી, પરંતુ કોઈક રીતે મેળ નહોતો પડતો. અમારી છેલ્લી રમત એનું ઉત્તમ ઉદાહરણ હતું કે હું વર્ષોથી યુઝીની ફૅન કેમ હતી. હું તને (ટીમમાં) પાછો મેળવીને ખૂબ ખુશ છું ચહલ. હંમેશાં તને હસતો અને ચમકતો જોવા માગું છું.’
IPLમાં પંજાબ કિંગ્સ એ ચહલની ચોથી ટીમ છે જેણે તેને ૧૮ કરોડ રૂપિયાની કિંમતમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.