પૉવેલના પાવરે દિલ્હીને અપાવ્યું સન્માન

22 May, 2022 01:03 PM IST  |  Mumbai | Dinesh Sawalia

૧૦ ઓવરમાં ૪ વિકેટે માત્ર ૫૫ રન બનાવીને સંઘર્ષ કરી રહેલા દિલ્હી કૅપિટલને કૅરિબિયન બૅટર ચાર સિક્સર સાથે ૪૩ રન ફટકારીને ૧૫૯ રનના સ્કોર સુધી દોરી ગયો: પંતના ૩૩ બૉલમાં ૩૯ રન

પૉવેલના પાવરે દિલ્હીને અપાવ્યું સન્માન

માનભેર વિદાય માટે મેદાનમાં ઊતરેલી પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈ ગઈ કાલે દિલ્હી સામે શાનદાર શરૂઆત બાદ જરા ઢીલી પડી ગઈ હતી. પાવર-પ્લેમાં ૩૭ રનમાં ૩ અને ૧૦મી ઓવરના અંતે ૫૫ રનમાં ૪ વિકેટ સાથે મુંબઈએ દિલ્હીની હાલત કફોડી કરી નાખી હતી, પણ ત્યાર બાદ ફીલ્ડિંગ અને બોલિંગમાં કન્ટ્રોલ ગુમાવી દીધો હતો અને દિલ્હી આખરે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૯ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. 
મસ્ટ વિનમાં ટૉપ ઑર્ડર ફ્લૉપ
પ્લે-ઑફ માટે દિલ્હીને આ મૅચ જીતવી ખૂબ જરૂરી હોવાથી દિલ્હીના ટૉપ ઑર્ડરે દમ બતાવવો જરૂરી હતો, પણ ડેવિડ વૉર્નર (૧), પૃથ્વી શૉ (૨૧), મિચલ માર્શ (૦), સરફરાઝ ખાન (૦) ખાસ કાંઈ નહોતા કરી શક્યા. શૉ ચમકારો બતાવ્યા બાદ બુઝાઈ ગયો હતો. આઉટ ઑફ ફૉર્મ કૅપ્ટન રિષભ પંતે ૩૩ બૉલમાં ૩૯ રન બનાવ્યા હતા, પણ તેનો અસલી ટચ નહોતો બતાવી શક્યો. વેસ્ટ ઇન્ડીઝના હાર્ડ હિટર રોવમૅન પૉવેલ ચાર સિક્સર અને એક ફોર સાથે ૩૪ બૉલમાં ૪૩ રન ફટકારતાં દિલ્હી કૅમ્પને થોડી રાહત થઈ હતી. અક્ષર પટેલે છેલ્લે ૧૦ બૉલમાં બે સિક્સર સાથે અણનમ ૧૯ રન ફટકારીને ટીમને ૧૫૦ રનનો આંકડો પાર કરાવી આપ્યો હતો. 
બુમરાહ ઑન ટાર્ગેટ
વાદળિયા વાતાવરણનો મુંબઈના બોલરોએ ખાસ કરીને જસપ્રીત બુમરાહે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. બુમરાહે પૃથ્વી શૉ, મિચલ માર્શ અને રોવમૅન પૉવેલની મહત્ત્વની વિકેટ લીધી હતી. તેને ડૅનિયલ સેમ્સ (૩૦ રનમાં એક) અને મયંક માર્કન્ડે (૩૦ રનમાં એક)નો સુપર્બ સાથ મળ્યો હતો. રમણદીન સિંહને બે વિકેટ મળી હતી, પણ તેણે બે ઓવરમાં ૨૯ રન લૂંટાવી દીધા હતા. રિલે મેરેડિથે બે ઓવરમાં માત્ર ૯ રન આપ્યા હોવા છતાં રોહિતે છેલ્લે તેને બદલે રમણદીપનો ખર્ચાળ પ્રયોગ કર્યો હતો.
અર્જુનની એન્ટ્રી ન થઈ
મુંબઈ પ્લે-ઑફની રેસમાંથી આઉટ થયું હોવાથી છેલ્લી મૅચમાં સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને મોકો મળશે એવી સોશ્યલ મીડિયામાં જોરશોરથી ચર્ચા થઈ રહી હતી, પણ લાગે છે કે મુંબઈએ જીત સાથે વિદાય લેવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઊતરવાનો નિર્ણય લીધો હોવાથી પ્રયોગ કરવાનું ટાળ્યું હતું.

sports news cricket news ipl 2022 delhi capitals