સિંહ ઘાયલ થયો, પણ ગઢ જીત્યો

12 July, 2016 07:19 AM IST  | 

સિંહ ઘાયલ થયો, પણ ગઢ જીત્યો









રવિવારે રાતે રમાયેલા યુરો કપના ફાઇનલ જંગમાં આઠમા ક્રમાંકની પોર્ટુગલ ટીમે યજમાન ફ્રાન્સને પછાડીને ઇતિહાસ રચ્યો હતો. ૯૧ વર્ષથી ફુટબૉલ રમી રહેલા પોર્ટુગલ ટીમના ઇતિહાસની આ સૌથી મોટી ઉપલબ્ધિ બની હતી અને એનો આનંદ જીત બાદ ખેલાડીઓ, અધિકારીઓ અને ચાહકોના જશ્નમાં સ્પષ્ટ વર્તાયો હતો.

૨૦૦૪માં ૧-૦થી હાર, હવે ૧-૦થી જીત

પોર્ટુગલે ૨૦૦૪માં ઘરઆંગણે પહેલી વાર યુરો કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પણ એણે ૧-૦થી પરાજય જોવો પડ્યો હતો. ૧૨ વર્ષના વનવાસ બાદ પોર્ટુગલે ફરી એક વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આ વખતે હાથમાં આવેલા મોકો ન ગુમાવતાં એ રવિવારે યજમાન ફ્રાન્સને ૧-૦થી હરાવીને ચૅમ્પિયન બન્યું હતું.

૨૪મી મિનિટે મળ્યો મોટો ઝટકો

ચૅમ્પિયન બનવા માટે સ્ટાર કૅપ્ટન રોનાલ્ડોના કરિશ્મા પર મદાર રાખી બેઠેલા પોર્ટુગલને ફાઇનલમાં ૨૪મી મિનિટે આંચકો લાગ્યો હતો. ફ્રાન્સના ખેલાડી દિમિત્રી પાયેટ સાથે આઠમી મિનિટે ટકરાયા બાદ રોનાલ્ડો થોડી સારવાર લઈને પાછો મેદાનમાં આવ્યો હતો, પણ ફક્ત થોડી જ મિનિટ સુધી મેદાનમાં સંઘર્ષ કર્યા બાદ ૨૪મી મિનિટે રડતાં-રડતાં તેણે મેદાન છોડીને જતા રહેવું પડ્યું હતું. જોકે એને લીધે ચાહકોની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં. સિનિયર ખેલાડી નાનીએ ત્યાર બાદ કમાન સંભાળી લીધી હતી અને ટીમનો જુસ્સો અકબંધ રાખવાની ભરપૂર કોશિશ કરી હતી તથા ફેવરિટ ફ્રાન્સને બરાબરની લડત આપી હતી.

સબસ્ટિટ્યુટ બન્યો હીરો

ફુલટાઇમ ૯૦ મિનિટ સુધી ફ્રાન્સ કે પોર્ટુગલ બેમાંથી કોઈ ગોલ કરવામાં સફળ નહોતું થયું. ફ્રાન્સને અનેક મોકા મળ્યા હતા, પણ એને નસીબનો સાથ નહોતો મળ્યો. છેલ્લી મિનિટે પણ ફ્રાન્સને એક ગોલ્ડન ચાન્સ મળ્યો હતો, પણ ફુટબૉલ એ વખતે ગોલપોસ્ટને લાગીને બહાર જતો રહ્યો હતો. એક્સ્ટ્રા ટાઇમના પહેલા સેશનમાં પણ કોઈ ગોલ નહોતો થઈ શક્યો અને બીજા હાફમાં પોર્ટુગલ અલગ મિજાજમાં મેદાનમાં ઊતર્યું હતું અને ચોથી મિનિટે એટલે કે ૧૦૯મી મિનિટે પોર્ટુગલના સબસ્ટિટ્યુટ એડરે ૨૫ મીટર દૂરથી શાનદાર ગોલ કરીને પોર્ટુગલપ્રેમીઓને ઝૂમતા કરી દીધા હતા, પણ ત્યારે ફ્રાન્સના કૅમ્પમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. આખરે પોર્ટુગલે એડરના એ અફલાતૂન ગોલ વડે યુરો કપ હાંસલ કરી લીધો હતો.

૨૩ ખેલાડીઓની સ્ક્વૉડમાં એડરના સમાવેશથી ઘણાને આશ્ચર્ય થયું હતું અને તેની કાબેલિયત વિશે ઘણા શંકા સેવતા હતા, કેમ કે ગઈ સીઝનમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ૧૩ મૅચ રમ્યો હોવા છતાં એડર એક પણ ગોલ નહોતો કરી શક્યો, પણ મૅચમાં ૮૯મી મિનિટે કોચે મેદાનમાં થોડી આક્રમકતા લાવવા એડરને સબસ્ટિટ્યુટ તરીકે ઉતાર્યો હતો અને ૧૦૯મી મિનિટે ગોલ કરીને કોચના ભરોસાને સાર્થક કરીને તે હીરો બની ગયો હતો.

કોચે જીતનું શ્રેય રોનાલ્ડોને આપ્યું

જીત બાદ ભાવુક બનેલા પોર્ટુગલના કોચ ફનાર્ન્ડો સાંતોસે ટીમની આ ઐતિહાસિક સફળતાનું શ્રેય કૅપ્ટન રોનાલ્ડોને આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘અમારા કૅપ્ટને ટુર્નામેન્ટમાં શાનદાર પર્ફોર્મ કર્યું છે. ઘણા લોકોની ટીકાનો સામનો કર્યા છતાં તે અફલાતૂન પ્રદર્શન સાથે ટીમને ફાઇનલ સુધી દોરી ગયો હતો. ફાઇનલમાં ઇન્જર્ડ થયા છતાં કમબૅક કરવાની તેણે ઘણી કોશિશ કરી હતી, પણ તે સફળ નહોતો થયો. મેદાન બહારથી પણ તે ટીમનો જુસ્સો વધારતો રહ્યો હતો. ડ્રેસિંગરૂમમાં તેની હાજરી જ મહત્વની બની રહેતી. હું હંમેશાં ટીમને સ્પષ્ટપણે કહેતો કે આપણી ટીમમાં ઘણું ટૅલન્ટ છે, પણ આપણે હરીફ કરતાં વધુ લડવું પડશે, વધુ દોડવું પડશે અને વધુ કૉન્સન્ટ્રેટ કરવું પડશે. મારા પ્લાનને ધ્યાનથી સાંભળવા અને મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું ટીમનો આભારી છું.’

૧૨ વર્ષે દુ:ખનાં આંસુ બન્યાં ખુશીનાં

૨૦૦૪માં ઘરઆંગણે પોર્ટુગલ ગ્રીસ સામે હાર્યું ત્યારે ટીનેજર રોનાલ્ડો ટીમમાં હતો અને હાર બાદ તેના રુદનની તસવીર ટુર્નામેન્ટની યાદગાર મોમેન્ટમાંની એક બની રહી હતી. ૧૨ વર્ષ બાદ રવિવારે રોનાલ્ડો ફરી રડ્યો હતો. ઇન્જર્ડ થઈને મેદાન છોડતી વખતનાં નિરાશાનાં આંસુ જોકે છેલ્લે ટીમ ચૅમ્પિયન બનતાં ખુશીમાં ફેરવાઈ ગયાં હતાં.

હાર બાદ હિંસા, ૪૦ ગિરફ્તાર

આઘાતજનક હારથી ફ્રાન્સવાસીઓ ઘણા નારાજ થયા હતા અને પૅરિસ તથા બીજાં શહેરોમાં તોફાન મચાવ્યું હતું. આઇફલ ટાવરની નીચે નારાજ લોકોએ બૉટલો ફેંકવા માંડી હતી અને પોલીસે તેમને કાબૂમાં લેવા ટિયરગૅસના શેલ્સ છોડવા પડ્યા હતા. પોલીસે ૪૦ તોફાનીઓને ગિરફ્તાર કર્યા હતા. હિંસાને લીધે ગઈ કાલે આઇફલ ટાવર બંધ રાખવો પડ્યો હતો.

પોર્ટુગલ છઠ્ઠા, ફ્રાન્સ સાતમા ક્રમાંકે પહોંચ્યું

યુરો કપમાં ચૅમ્પિયન બનતાં પોર્ટુગલના રૅન્કિંગમાં પણ સુધારો થયો છે અને બે ક્રમાંકના સુધારા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ રનર-અપ ફ્રાન્સના રૅન્કિંગમાં ૧૦ સ્થાનનો સુધારો થયો હતો અને સત્તરમા સ્થાનેથી સાતમા ક્રમાંકે પહોંચી ગયું હતું. જો ફ્રાન્સ ચૅમ્પિયન બન્યું હોત તો ત્રીજા સ્થાને પહોંચી જાત. રૅન્કિંગમાં આર્જેન્ટિનાએ એનો પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે.