03 April, 2023 11:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પીએમ મોદીએ દુરાનીનું બહુમાન કર્યું હતું એ તસવીર ગઈ કાલે તેમને અંજલિ આપતાં ટ્વીટમાં અપલોડ કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદી : ક્રિકેટજગતમાં ભારતની પ્રગતિનો જે સમયગાળો હતો એમાં સલીમ દુરાનીજીનું મોટું યોગદાન હતું. તેઓ ક્રિકેટના લેજન્ડ હતા અને તેઓ એવા પ્રતિભા સંપન્ન હતા જેમનામાંથી ઘણાએ પ્રેરણા લીધી હતી. મેદાન પર તેમ જ મેદાનની બહાર તેઓ પોતાની અનોખી સ્ટાઇલ માટે જાણીતા હતા. ગુજરાત અને ગુજરાતની ક્રિકેટ ટીમો સાથે તેમનો બહુ જૂનો અને મજબૂત નાતો હતો. તેમને મળવાનો અને વાતચીત કરવાનો મને અવસર મળ્યો હતો. ત્યારે હું તેમની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેમના નિધનથી મને ખૂબ દુ:ખ થયું છે. આપણે સૌકોઈ તેમને હંમેશાં મિસ કરીશું. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સચિન તેન્ડુલકર : સલીમ દુરાનીજીના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થયું. તેઓ ખૂબ પ્રેમાળ સ્વભાવના હતા અને તેમને મળ્યો હતો ત્યારે તેમની સાથે વાતચીત કરવાનું મને ખૂબ ગમ્યું હતું. તેમના નિધનથી તેમના પરિવારજનો પર જે આપત્તિ આવી પડી છે એ સહન કરવાની ઈશ્વર તેમને શક્તિ આપે એ જ પ્રાર્થના.
રવિ શાસ્ત્રી : સુંદર અને શાનદાર પ્રતિભાઓ ધરાવનારા ભારતીય ક્રિકેટર્સમાંના એક સલીમ દુરાની હતા અને આપણે હંમેશાં તેમને મિસ કરીશું.
જય શાહ : ભારતીય ક્રિકેટના લેજન્ડ સલીમ દુરાનીજીના અવસાનના સમાચાર જાણીને ખૂબ દુ:ખ થયું. ભારતીય ક્રિકેટે એક રત્ન ગુમાવ્યો છે.
સલીમ દુરાનીની ખાસિયતો
(૧) સલીમ દુરાની હરીફ ટીમ માટે અનપ્રિડિક્ટેબલ હતા. કોઈ એક મૅચમાં તેઓ બૅટિંગ અને બોલિંગ બન્નેમાં ફ્લૉપ જતા એવું ભાગ્યે જ બન્યું હતું, ‘ઑન હિઝ ડે’ તેઓ બૅટ અથવા બૉલથી મૅચ-વિનર નીવડતા હતા.
(૨) સલીમ દુરાની આક્રમક સ્ટાઇલની બૅટિંગથી અને બોલિંગમાં હરીફ ટીમને ઓચિંતો ઝટકો આપવાની આવડતથી મૅચમાં રોમાંચ લાવવાની ગજબની ક્ષમતા ધરાવતા હતા.
(૩) દુરાનીમાં બહુ સારી ડ્રેસિંગ-સેન્સ હતી. તેઓ ડ્રેસિંગ-સ્ટાઇલ માટે તો ફેમસ હતા જ, તેમના ચહેરા પર હંમેશાં આત્મવિશ્વાસ છલકાતો હતો.