ખેલાડીઓને કોઈ સમસ્યા હોય તો સીધો મારો સંપર્ક કરો : વડાપ્રધાન

15 October, 2014 02:44 AM IST  | 

ખેલાડીઓને કોઈ સમસ્યા હોય તો સીધો મારો સંપર્ક કરો : વડાપ્રધાન


સ્માઇલ પ્લીઝ : એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા ખેલાડીઓ તથા કોચના સન્માન સમારોહ કાર્યક્રમ દરમ્યાન ખુશખુશાલ ચહેરા સાથે ફોટો પડાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા યુથ અર્ફેસ તથા સ્પોર્ટ્સ મિનિસ્ટર સર્બનંદા સોનોવાલ



વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રતાપૂર્ણ અભિગમ તથા પ્રેરણાદાયી ભાષણથી પ્રભાવિત થયેલા ઇંચિયોન એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા વિજેતા ખેલાડીઓએ તેમની ઘણી પ્રશંસા કરી હતી. વડા પ્રધાને ગઈ કાલે સવારે તમામ વિજેતાઓને તેમના ઘરે બોલાવ્યા હતા, જ્યાં તેમણે કેટલાક મેડલ વિજેતા ખેલાડીઓ તથા કોચનું સમ્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા બૉક્સર મૅરી કૉમ, શૂટર જિતુ રાય, ટેનિસ-ખેલાડી સાનિયા મિર્ઝા, પુરુષ હૉકી-ટીમ તથા પહેલવાન યોગેશ્વર દત્ત સહિત ઘણા ખેલાડીઓ હાજર રહ્યા હતા.

૪૫૦ કરોડ રૂપિયાની ફાળવણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રમતોના વિકાસ માટે ૪૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. યુથ અર્ફેસ તથા સ્પોર્ટ્સ મિનિસ્ટર સર્બનંદા સોનોવાલે કહ્યું હતું કે આવું અગાઉ ક્યારેય નથી બન્યું. વડા પ્રધાન દ્વારા પ્રથમ વખત આવી પહેલ કરવામાં આવી છે.

સન્માન વધારતા ખેલાડીઓ 

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘ખેલાડીઓની સિદ્ધિઓને કારણે તમામ દેશવાસીઓનું માન વધે છે. કોઈ દેશ આત્મસન્માન કે ગર્વ વગર પ્રગતિ કરી શકે નહીં.’

શું બોલ્યા ખેલાડીઓ તથા કોચ

જિતુ રાય, ગોલ્ડ મેડલ વિજેતા શૂટર : આ એક અદ્ભુત અનુભવ હતો. વડા પ્રધાને અમને સંબોધિત કર્યા. તેમના શબ્દો ઘણા પ્રેરક હતા. તેમણે અમને કહ્યું કે તમામ મદદ આપવામાં આવશે તેમ જ અમારી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે. તમામ શૂટરો ત્યાં હતા. તેમણે તમામ સાથે હાથ મેળવ્યા તેમ જ અમે સહજતાપૂર્ણ રીતે વર્તીએ એનું ધ્યાન રાખ્યું હતું.

જોશના ચિનપ્પા, સ્ક્વૉશમાં સિલ્વર મેડલ જીતનાર : તમને રોજ-રોજ વડા પ્રધાન સાથે મળવાની તક નથી મળતી. વડા પ્રધાન એક સામાન્ય માનવીની જેમ અમારી સમક્ષ આવ્યા. હું એમ કહીશ કે મારી કરીઅર માટે આ એક મહત્વનો સમય હતો. કદાચ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા કરતાં પણ મહત્વપૂર્ણ.

મનપ્રીત સિંહ, હૉકી-પ્લેયર : મોદીજીએ અમને કહ્યું કે સરકાર ગ્રાસ રૂટ લેવલપર આ રમતને પ્રોત્સાહન આપવાનુ પ્રયત્ન કરી રહી થે. અમારી કોઈ જરૂરિયાત હોય તો અમારે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાનો સંપર્ક કરવો જોઈએ

ગુરુબક્ષસિંહ સંધુ, નૅશનલ બૉક્સિંગ કોચ : ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓ એક સારા વક્તા છે, પરંતુ અમારી સાથે સહજતાથી વાત કરતા હતા. વળી ઘણા હસ્યા પણ હતા. કોઈ સમસ્યા હોય તો તેમનો સીધો સંપર્ક કરવા માટે પણ જણાવ્યું હતું. સામાન્ય સમારંભ કરતાં આ એક અલગ સમારોહ હતો.

વી. આર. રઘુનાથ, હૉકી-પ્લેયર : વડા પ્રધાન અમારી જરૂરિયાત તથા સમસ્યા જાણવા માટે ઉત્સુક હતા.