પ્લેયરોને વ્યક્તિગત પ્રોગ્રામમાં રાખવા જોઈએ : રાહુલ દ્રવિડ

12 June, 2020 01:32 PM IST  |  New Delhi | Agencies

પ્લેયરોને વ્યક્તિગત પ્રોગ્રામમાં રાખવા જોઈએ : રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડનું કહેવું છે કે પ્લેયરોને તેમના વ્યક્તિગત પ્રોગ્રામના આધારે ટ્રેઇનિંગ આપવી જોઈએ અને રમાડવા જોઈએ. છેલ્લા લગભગ ત્રણ મહિનાથી વિશ્વભરમાં દરેક સ્પોર્ટ્સને તાળાં લાગ્યાં છે અને હવે ધીમે-ધીમે એ ખૂલી રહ્યું છે. એવામાં પ્લેયર ફરી પાછા પોતાના લયમાં કેવી રીતે આવે એ સૌથી મોટો પ્રશ્ન છે. પોતાના વિચાર જણાવતાં રાહુલ દ્રવિડે કહ્યું કે ‘કેટલાક પ્લેયર પાસે રનિંગ કરવા માટે જગ્યા હોય છે, જ્યારે કેટલાક લોકો ફ્લૅટમાં રહેતા હોવાથી રનિંગ માટેની જગ્યા નથી હોતી. માટે આપણે સૌથી પહેલાં આ દરેક પ્રકારના રમતવીરોને વ્યક્તિગત પ્રોગ્રામના આધારે એકસમાન કક્ષાએ લાવવા જોઈએ. હું હંમેશાં યાદ કરાવતો રહું છું કે પ્લેયરો માટે આ વાત નૉર્મલ નથી, કારણ કે તેમણે સતત રમતા રહેવું પડે છે. મારા સમયના પહેલાંની વાત કરું તો એવું ઘણી વાર થતું કે ક્રિકેટરોને ૪થી ૬ મહિના સુધી રમવા મળતું નહોતું. સુનીલ ગાવસકરનો કિસ્સો આપણને ખબર છે. તેઓ જ્યારે ક્રિકેટ નહોતા રમતા ત્યારે વચ્ચેના સમયમાં તેઓ બૅડ્મિન્ટન રમીને પોતાને ફિટ રાખતા હતા. પ્લેયરની સ્કિલ વિશે મને કોઈ ચિંતા નથી. હા, એ વાત સાચી છે કે કોઈ પણ પ્લેયર બ્રેક બાદ તરત જ ફીલ્ડ પર જઈને રમવાનું શરૂ ન કરી શકે. એ માટે તમારે તેમને સમય આપવો પડે છે જેથી તેઓ પોતાની સ્કિલ પરનો લય પાછો મેળવી શકે.’

‘વૅક્સિન ન મળે ત્યાં સુધી ક્રિકેટ પહેલાં જેવું નહીં રહે’

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનું કહેવું છે કે જ્યાં સુધી કોરોના વાઇરસની રસી નથી શોધાતી ત્યાં સુધી ક્રિકેટ એના સ્ટેકહોલ્ડર અને ચાહકો માટે સાવ અલગ જ બની રહેશે. આ વિશે વધુ જણાવતાં દ્રવિડે કહ્યું કે ‘કોઈ રસી ન શોધાય ત્યાં સુધી અમને એકબીજામાં વિશ્વાસ છે. હું કોઈ તબીબી વ્યાવસાયિક નથી, પરંતુ જે સાંભળ્યું છે એનાથી કહી રહ્યો છું કે વાઇરસ હવે લાંબા સમય ટકી શકે એમ નથી. એનું નિદાન થતાં આપણે ફરી પાછા મેદાનમાં આવીશું. જ્યાં સુધી રસી નથી શોધાતી ત્યાં સુધી ક્રિકેટ સાવ અલગ બની રહેશે. મારા ખ્યાલથી ક્રિકેટ એ બીજું કંઈ નહીં, પણ જીવનનું પ્રતિબિંબ છે અને માત્ર હવે એ જોવાનું છે કે એ કઈ રીતે અનટચ રહે છે. ડ્રેસિંગરૂમના એટિકેટ્સ, મૅચ જીત્યાની ઉજવણીના એટિકેટ્સ બધું થોડા સમય માટે બદલાઈ જશે.’

rahul dravid cricket news sports news