પીટરસનને T20 ટીમમાંથી આરામ જોકે વન-ડેના કાફલામાં સમાવેશ

29 November, 2012 06:16 AM IST  | 

પીટરસનને T20 ટીમમાંથી આરામ જોકે વન-ડેના કાફલામાં સમાવેશ



ભારત પાસે ફ્લૉપ પ્લેયરોની ટીમમાં જગ્યા લઈ શકે એવા કાબેલ ખેલાડીઓની અછત છે, જ્યારે ઇંગ્લૅન્ડે ભારત સામે ટેસ્ટસિરીઝ પછી રમાનારી T20 અને વન-ડે સિરીઝ માટે ઘણા ફેરફારો કર્યા છે.

ઇંગ્લૅન્ડ સામેની બે T20 મૅચની શ્રેણી ૨૦ ડિસેમ્બરે શરૂ થશે અને તેઓ ક્રિસમસ મનાવવા સ્વદેશ ગયા બાદ પાછા ભારત આવીને પછી પાંચ વન-ડે રમશે. સિલેક્ટરોએ ગઈ કાલે કેવિન પીટરસનને T20 ટીમમાં સ્થાન નહોતું આપ્યું, પરંતુ વન-ડેની ટીમમાં સમાવ્યો હતો. વાનખેડેની ટેસ્ટના હીરો સ્પિનર ગ્રેમ સ્વૉનને બન્નેમાંથી એકેય ટીમમાં સ્થાન નથી મળ્યું. બે વન-ડે રમી ચૂકેલા પેસબોલર સ્ટુઅર્ટ મીકરને T20ની કરીઅર શરૂ કરવાનો મોકો મળ્યો છે. વિકેટકીપર ક્રેગ કિઝવેટરને વન-ડે ટીમમાં જગ્યા મળી છે.

ફૉર્મ ગુમાવી ચૂકેલા રવિ બોપારાને બેમાંથી એક પણ ટીમમાં નથી સમાવવામાં આવ્યો.

૨૦ ડિસેમ્બરની પ્રથમ T20 પુણેમાં અને બાવીસમીની બીજી મૅચ વાનખેડેમાં રમાશે. વન-ડે શ્રેણીની ૧૧ જાન્યુઆરીએ રાજકોટની મૅચથી શરૂઆત થશે.

જાઇલ્સ નવો કોચ

ઇંગ્લૅન્ડે વારાફરતી પ્લેયરોની સાથે કોચને પણ આરામ આપવાની નીતિ અપનાવી છે. T20 અને વન-ડે સિરીઝ માટે ભૂતપૂર્વ લેફ્ટી સ્પિનર ઍશ્લી જાઇલ્સની કોચ તરીકે નિયુક્તિ થઈ છે અને આ બે સિરીઝ દરમ્યાન મુખ્ય કોચ ઍન્ડી ફ્લાવર વેકેશન મનાવશે

T20 ટીમ

સ્ટુઅર્ટ બ્રૉડ (કૅપ્ટન), જૉની બૅરસ્ટો, ટિમ બ્રેસ્નન, ડૅની બ્રિગ્સ, જોસ બટલર, જેડ ડર્નબાક, ઍલેક્સ હેઇલ્ઝ, માઇકલ લમ્બ, સ્ટુઅર્ટ મીકર, ઓઇન મૉર્ગન, સમિત પટેલ, જેમ્સ ટ્રેડવેલ અને લ્યુક રાઇટ.

વન-ડે ટીમ

ઍલસ્ટર કુક (કૅપ્ટન), જૉની બૅરસ્ટો, ઇયાન બેલ, ટિમ બ્રેસ્નન, ડૅની બ્રિગ્સ, જેડ ડર્નબાક, સ્ટીવન ફિન, ક્રેગ કિઝવેટર, સ્ટુઅર્ટ મીકર, ઓઇન મૉર્ગન, સમિત પટેલ, કેવિન પીટરસન, જેમ્સ ઍન્ડરસન (માત્ર પહેલી ત્રણ મૅચ માટે), જેમ્સ ટ્રેડવેલ, જોનથન ટ્રૉટ અને સ્ટુઅર્ટ બ્રૉડ (માત્ર છેલ્લી બે મૅચ માટે).