નાનપણથી ફિલિપ જ્યાં પણ રમતો હોય ત્યાં તેને હું ગાડીમાં લઈ જતો : પિતા ગ્રેગ

30 November, 2014 06:04 AM IST  | 

નાનપણથી ફિલિપ જ્યાં પણ રમતો હોય ત્યાં તેને હું ગાડીમાં લઈ જતો : પિતા ગ્રેગ




ફિલિપ હ્યુઝ તેના પિતા સાથે ઘણો આત્મીય સંબંધ ધરાવતો હતો. તેના પિતા ગ્રેગ ફિલિપના કોચ નહોતા, પરંતુ તેઓ ફિલિપની દરેક મૅચમાં હાજર રહેતા. ગુરુવારે પણ સેન્ટ વિન્સેન્ટ હૉસ્પિટલમાં ગ્રેગ હ્યુઝ હાજર હતા જ્યારે સમગ્ર ક્રિકેટવિશ્વ તેમના પુત્ર ફિલિપને આખરી વિદાય આપવા ભેગું થયું હતું. આ સમયે ભાંગી પડેલા ગ્રેગ તેમની ડૂસકાં ભરતી પત્ની વર્જિનિયાને સહારે ઊભા રહ્યા હતા. ૨૦૦૯માં જ્યારે પહેલી વાર ફિલિપની ઑસ્ટ્રેલિયન ટીમમાં પસંદગી થઈ હતી ત્યારે ગ્રેગે જણાવ્યું હતું કે મંગળવાર અને ગુરુવાર ફિલિપની જિંદગીમાં મહત્વના વાર હતા. મોટા ભાગના કિશોરો મંગળવાર અને ગુરુવારે બપોરના ટ્રેઇનિંગ સેશનમાં જતા ત્યારે ફિલિપ ક્રિકેટ રમતો જ રહેતો. તે અનોખો કિશોર હતો એમ ‘બ્રિસ્બેન ટાઇમ્સે’ જણાવ્યું હતું. ન્યુ સાઉથ વેલ્સમાં મૅક્સવિલેમાં કેળાંની ખેતી કરતા ગ્રેગે હંમેશાં તેમના પુત્રને ક્રિકેટમાં પ્રોત્સાહન આપ્યું હતું. ગ્રેગ જણાવે છે, ‘જ્યારે તે નાનો હતો ત્યારે હું જ્યાં તેને રમવું હોય ત્યાં સુધી લઈ જતો. હું તેને માત્ર બસ-સ્ટેશન પર છોડીને જતો નહોતો રહેતો. મારે તેને ક્રિકેટ એન્જૉય કરવા દેવું હતું એથી હું હંમેશાં તેની સાથે રહેતો. ફિલિપ દુનિયાભરમાં ગમે ત્યાં રમતો હોય હું તેની સાથે રહ્યો હતો.’

જ્યારે ફિલિપની સફળતાનું શ્રેય તેમને આપવામાં આવે ત્યારે ગ્રેગ વિનમ્રપણે કહેતા કે ‘ફિલિપની તમામ સફળતા તેણે પોતે મેળવેલી છે. મેં ખાસ કાંઈ કર્યું નથી, સિવાય કે તેના બોલિંગ મશીનમાં હું બૉલ નાખતો હતો.’