ફિલ હ્યુઝ બન્યો કાંગારૂ ટીમનો ૧૩મો ખેલાડી

09 December, 2014 05:09 AM IST  | 

ફિલ હ્યુઝ બન્યો કાંગારૂ ટીમનો ૧૩મો ખેલાડી

ફિલિપ હ્યુઝને એક લાગણીશીલ શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ર્બોડે ભારત સામે રમાનારી ટેસ્ટ મૅચમાં તેનો ૧૩મા ખેલાડી તરીકે સમાવેશ કર્યો છે. વળી આ ઉપરાંત ઍડીલેડ ટેસ્ટમાં તેની યાદમાં અનેક કાર્યક્રમો રાખ્યા છે. ગયા મહિને બૉલ માથામાં વાગવાથી તેનું મોત નીપજ્યું હતું. કૅપ્ટન માઇકલ ક્લાર્ક તેને પોતાના નાના ભાઈ જેવો માનતો હતો. તેના મૃત્યુને કારણે ક્લાર્ક જાહેરમાં બે વખત રડી પડ્યો હતો. આ બૅટ્સમૅનની યાદમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ તેનો ટેસ્ટ કૅપ-નંબર ૪૦૮ પોતાના શર્ટ પર લગાડશે.

ઍડીલેડ પિચ પર ૪૦૮ નંબર મોટા અક્ષરે લખવામાં આવ્યો છે ત્યાં ઊભા રહીને બન્ને ટીમોના ખેલાડીઓ તેને શ્રદ્ધાંજલિ આપશે. વળી તેના ૬૩ રનના સ્કોરને પણ વિવિધ રીતે યાદ કરવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે કોઈ મૃત વ્યક્તિના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવતું હોય છે, પરંતુ ફિલિપ હ્યુઝના માનમાં ૬૩ સેકન્ડનું મૌન પાળવામાં આવશે. તે ડોમેસ્ટિક મૅચમાં ૬૩ રને હતો ત્યારે તેના માથામાં બૉલ વાગતાં તે પિચ પર ઢળી પડ્યો હતો.