02 June, 2025 06:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આજની કરો યા મરો મૅચ પહેલાં ગઈ કાલે પ્રૅક્ટિસ કરતી પંજાબની ટીમ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે ક્વૉલિફાયર-ટૂ મૅચ રમાશે. ત્રીજી જૂને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સામે ફાઇનલ મૅચ રમવા માટે આજે બન્ને ટીમ વચ્ચે સેમી-ફાઇનલ જેવો જંગ જામશે. પોતાના પહેલા ખિતાબ માટે પ્રયાસ કરી રહેલા પંજાબને આજે પાંચ વખતના ચૅમ્પિયન મુંબઈ તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડશે.
આત્મવિશ્વાસથી ભરપૂર કૅપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈએ એલિમિનેટરમાં ટાઇટલ ફેવરિટ ગુજરાત ટાઇટન્સને હરાવીને પોતાના છઠ્ઠા ખિતાબ તરફ વધુ એક પગલું ભર્યું છે. કૅપ્ટન શ્રેયસ ઐયરની પંજાબની ટીમને ક્વૉલિફાયર-વનમાં બૅન્ગલોર સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં નૉકઆઉટ મૅચ રમવામાં સૌથી અનુભવી મુંબઈની ટીમ સામે પંજાબે જબરદસ્ત ટક્કર આપીને વાપસી કરવી પડશે. નહીં તો ફરી એક વાર તેમનું પહેલી વાર ટાઇટલ જીતવાનું સ્વપ્નું તૂટી જશે.
કુલ મૅચ ૩૩
MIની જીત ૧૭
PBKSની જીત ૧૬
બન્ને ટીમનો પ્લેઑફ્સનો રેકૉર્ડ
IPL પ્લેઑફ્સમાં બન્ને ટીમ પહેલી વાર સામસામે રમશે. પ્લેઑફ્સમાં મુંબઈએ ૨૧માંથી ૧૪ મૅચ જીતી છે, જ્યારે સાત મૅચમાં એને હાર મળી છે. પંજાબની ટીમ પ્લેઑફ્સમાં પાંચમાંથી માત્ર એક મૅચ જીતી છે અને ચાર મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદમાં કેવો રહ્યો છે બન્ને ટીમનો રેકૉર્ડ?
ન્યુટ્રલ વેન્યુ પર બન્ને ટીમ આમનેસામને ૧૧ વાર રમી છે જેમાંથી ૬ વાર પંજાબે અને પાંચ વાર મુંબઈએ જીત નોંધાવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમ પહેલી વાર સામસામે ટકરાશે. આ મેદાન પર પંજાબ છમાંથી ૪ મૅચ જીત્યું છે, જ્યારે મુંબઈ છમાંથી માત્ર એક જ મૅચ જીત્યું છે.
જ્યારે પણ તમને લાગે કે રમત ખતમ થવા આવી છે ત્યારે તેને (જસપ્રીત બુમરાહ) અંદર લાવો. તે મુંબઈના ઘરના ભાવ જેવો છે, ખૂબ મોંઘો છે - મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા