મારો પુત્ર ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં કંઈ પ્યુનની નોકરી નથી શોધી રહ્યો : પાર્થિવના પપ્પા

28 June, 2013 11:45 AM IST  | 

મારો પુત્ર ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં કંઈ પ્યુનની નોકરી નથી શોધી રહ્યો : પાર્થિવના પપ્પા



અમદાવાદ : ભારત વતી ૨૦ ટેસ્ટ-મૅચ, ૩૮ વન-ડે અને બે T20 રમી ચૂકેલા પાર્થિવ પટેલે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી માટે અરજી કરી છે અને તે મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (પ્વ્લ્)ના હોદ્દા માટે પણ તૈયાર છે એવી વાત મિડિયામાં ફેલાતાં તેના પપ્પા અજય પટેલે પત્રકારો સમક્ષ ખુલાસામાં કહ્યું હતું કે ‘મારો દીકરો કંઈ પ્યુનની નોકરી નહીં કરે. હકીકત એ છે કે તેણે સામેથી અરજી કરી જ નથી. આવકવેરા વિભાગમાંથી નોકરીની ઑફર આવી હતી એટલે તેણે ઍપ્લિકેશન કરી હતી. જોકે ઑફિસરના હોદ્દાની ઑફર આવે તો ઠીક છે, પણ પ્વ્લ્નો હોદ્દો શુંકામ સ્વીકારે? તેનો રિલાયન્સ સાથે ૧૦ વર્ષનો કૉન્ટ્રૅક્ટ છે અને મહિને એક લાખ રૂપિયાનો પગાર મેળવે છે.’

૨૮ વર્ષનો પાર્થિવ IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં છે અને તેને એક સીઝનના ૩.૧૫ કરોડ રૂપિયા મળે છે. જોકે ૨૦૧૪માં IPLમાં નવેસરથી ઑક્શન થશે એટલે પાર્થિવની ટીમ કદાચ બદલાઈ જશે. તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાના પણ પૈસા મળે છે.

પાર્થિવે બારમું ધોરણ પણ પાસ નથી કર્યું એટલે તે કોઈ પણ સરકારી વિભાગમાં અધિકારીના પદ માટે પાત્ર નથી.