૪૧ વાર રણજીના આકાશમાં છવાયેલી મુંબઈની પતંગને ગુજરાતે કાપી નાખી

15 January, 2017 05:18 AM IST  | 

૪૧ વાર રણજીના આકાશમાં છવાયેલી મુંબઈની પતંગને ગુજરાતે કાપી નાખી



ડિસેમ્બર ૨૦૧૫માં કૅપ્ટન પાર્થિવ પટેલે ફટકારેલી સદીને કારણે ગુજરાત ૫૦ ઓવરની ફાઇનલમાં ચૅમ્પિયન બન્યું હતું. એના એક વર્ષ બાદ ફરી એક વાર પાર્થિવે મુંબઈએ રણજી ફાઇનલમાં મુંબઈએ આપેલા ૩૧૨ રનના લક્ષ્યાંક સામે શાનદાર ૧૪૩ રન કરીને ટીમને ૮૩ વર્ષમાં પહેલી વખત રણજી ચૅમ્પિયન બનાવ્યું હતું. એ પહેલાં ગુજરાત ૧૯૫૦-’૫૧માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ત્યારે હોળકર સામે હારી ગયું હતું. જોકે ૬૬ વર્ષ બાદ ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં જ તેણે આ જીત મેળવી હતી. મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા પાર્થિવે પહેલી ઇનિંગ્સમાં પણ શાનદાર ૯૦ રન કર્યા હતા.

પોતાની ૪૬મી ફાઇનલ રમી રહેલી મુંબઈની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૨૨૮ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ ગુજરાતે ૩૨૮ રન બનાવતાં ૧૦૦ રનની લીડ મેળવી હતી. મુંબઈએ બીજી ઇનિંગ્સમાં અભિષેક નાયર (૯૧) અને શ્રેયસ ઐયરના ૮૨ રનને કારણે ૪૧૧ રન બનાવતાં ગુજરાતને ૩૧૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતાં ગુજરાતે ચોથા દિવસે વિના વિકેટે ૪૭ રન બનાવ્યા હતા. જોકે ગઈ કાલે ગુજરાત ૮૯ રનમાં બન્ને ઓપનર સહિત ત્રણ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું ત્યારે પાર્થિવ પટેલ અને મનપ્રીત જુનેજા (૫૪)એ ચોથી વિકેટ માટે ૧૧૬ રનની પાર્ટનરશિપ કરી હતી. પહેલી ઇનિંગ્સમાં પણ આ જોડીએ ૧૨૦ રનની પાર્ટનરશિપ કરીને ગુજરાતને લીડ અપાવી હતી. મનપ્રીતની વિકેટ બાદ રુજુલ ભટ્ટે (નૉટઆઉટ ૨૭) કૅપ્ટન પાર્થિવને સારો સાથ આપીને ૯૪ રનની પાર્ટનરશિપ કરી ટીમના વિજયને નિશ્ચિત કરી દીધો હતો. ફીલ્ડિંગમાં મુંબઈની ટીમે ભારે લાપરવાહી બતાવી હતી એને કારણે ટીમ હારી ગઈ એવું મુંબઈના કૅપ્ટન આદિત્ય તરેએ કહ્યું હતું.

ફાઇનલમાં સૌથી મોટા લક્ષ્યાંકને આંબ્યો

રણજી ફાઇનલમાં અગાઉ ૩૧૦ રન સૌથી મોટો લક્ષ્યાંક હતો જેને ૧૯૩૭-’૩૮માં હૈદરાબાદે નવાનગર સામે આંબ્યો હતો. આ વખતે મુંબઈએ ગુજરાતને જીતવા માટે ૩૧૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને ગુજરાતે સફળતાપૂર્વક આંબ્યો હતો. ડ્રૉ થાત તો પણ ગુજરાત જીતી જાત એવી સ્થિતિ હતી.

અગાઉ મુંબઈ ફાઇનલમાં હરિયાણા સામે બે રનથી હાર્યું હતું. ત્યાર બાદ એ સતત ૧૧ વખત ફાઇનલમાં પહોંચીને જીત્યું હતું. કુલ ૪૬ વખત ફાઇનલમાં આવીને મુંબઈ માત્ર પાંચ વખત હાર્યું છે.

ગુજરાત પ્રથમ વખત રણજી ચૅમ્પિયન બન્યું છે. વળી આ ટ્રોફી મેળવનાર એ કુલ ૧૭મી ટીમ બની છે.

અગાઉ ગુજરાત ૧૯૫૦-’૫૧માં રણજી ફાઇનલમાં પહોંચ્યું હતું. જોકે ત્યારે તેઓ હોળકર સામે હારી ગયા હતા. મુંબઈ કુલ ૪૬મી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું જે એક રેકૉર્ડ છે.

મુખ્ય પ્રધાન અને અમિત શાહે આપી શુભેચ્છા

પ્રથમ વખત રણજી ચૅમ્પિયન બનનાર ગુજરાતની ક્રિકેટ ટીમને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુભેચ્છા પાઠવી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે ટીમને અભિનંદન. પાર્થિવે બન્ને ઇનિંગ્સમાં કર્યું શાનદાર પ્રદર્શન. અમિત શાહે કહ્યું હતું કે ‘ગુજરાતની ટીમને ઐતિહાસિક વિજય અપાવવા બદલ અભિનંદન. રમતને વધુ ઊંચાઈ સુધી પહોંચાડવાના રાજ્યના સતત પ્રયત્નને લીધે આમ બન્યું છે.’

છોટા પૅકેટ, બડા ધમાકા

પ્રથમ વખત રણજી ચૅમ્પિયન બનનાર ગુજરાતની ટીમને વીરેન્દર સેહવાગે શુભેચ્છા આપી હતી. આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર કૅપ્ટન પાર્થિવ પટેલને શુભેચ્છા આપતાં સેહવાગે ટ્વિટર પર કહ્યું હતું કે ‘નાનકડા પાર્થિવે કર્યું બહુ મોટું કામ. છોટા પૅકેટ બડા ધમાકા. છોટા ચેતને ગુજરાતને અપાવ્યો વિજય.’ સેહવાગ બેબીફેસ પાર્થિવ પટેલને પ્રેમથી છોટા ચેતન કહીને જ બોલાવે છે.