દિલ્હીને હરાવી ગુજરાતે જીતી વિજય હઝારે ટ્રોફી

29 December, 2015 05:49 AM IST  | 

દિલ્હીને હરાવી ગુજરાતે જીતી વિજય હઝારે ટ્રોફી


કૅપ્ટન પાર્થિવ પટેલના કરીઅરની પ્રથમ સેન્ચુરી અને ફાસ્ટ બોલર આર. પી. સિંહ અને જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગને કારણે ગુજરાત બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી એકતરફી ફાઇનલમાં દિલ્હીને ૧૩૯ રનથી હરાવીને પ્રથમ વખત વિજય હઝારે ટ્રોફી જીત્યું હતું. પાર્થિવે ૧૦૫ રન બનાવ્યા હતા, જે મર્યાદિત ઓવરની ક્રિકેટમાં લગભગ ૧૪ વર્ષ પહેલાં પદાર્પણ કર્યા બાદની તેની પ્રથમ સદી છે. તેણે રુજુલ ભટ્ટ (૬૦) સાથે ત્રીજી વિકેટ માટે ૧૪૯ રનની પાર્ટનરશિપ કરીને ટીમને શરૂઆતના ઝટકામાંથી

બહાર કાઢ્યું હતું. ત્યાર બાદ ચિરાગ ગાંધી નૉટઆઉટ ૪૪ અને રુસ કાલરિયાએ ૨૧ રન કર્યા હતા.

ગુજરાતે પહેલાં બૅટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૨૭૩ રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીની ટીમ ૩૨.૩ ઓવરમાં ૧૩૪ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાતના બોલર જસપ્રીત બુમરાહે ૨૮ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ઉત્તર પ્રદેશને બદલે આ સીઝનથી ગુજરાત વતી રમનારા આર. પી. સિંહે દિલ્હીના ટોચના બૅટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે ૪૨ રન આપીને ચાર વિકેટ લીધી હતી. દિલ્હીના ત્રણ બૅટ્સમેનો જ બે આંકડામાં રન બનાવી શક્યા હતા. દિલ્હીની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. રિષભ પંત ઇનિંગ્સના પહેલા બૉલમાં જ આઉટ થયો હતો. ત્યાર બાદ સ્ટાર બૅટ્સમૅન શિખર ધવન પાંચ અને કૅપ્ટન ગૌતમ ગંભીરે માત્ર ૯ રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી આઠમા ક્રમાંકે રમતા પવન નેગીએ સૌથી વધુ ૫૭ અને ઉન્મુક્ત ચંદે ૩૩ રન બનાવ્યા હતા.

ગુજરાત ચાર વખત ચૅમ્પિયન રહી ચૂકેલી તામિલનાડુની ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. એ જીતમાં અક્ષર પટેલે ૬ વિકેટ લઈને મહત્વનો ભાગ ભજવ્યો હતો.