" ઇંગ્લૅન્ડ કરતાં અમારા બોલરો ઘણા સારા"

10 December, 2016 07:04 AM IST  | 

" ઇંગ્લૅન્ડ કરતાં અમારા બોલરો ઘણા સારા"



વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલે કહ્યું હતું કે ઇંગ્લૅન્ડની ટીમ કરતાં ભારતીય બોલરોનું સ્તર ઘણું સારું છે. તેઓ માત્ર પિચ પર અવલંબિત નથી. ઇંગ્લૅન્ડે કરેલા ૪૦૦ રનના જવાબમાં ભારતે ગઈ કાલે એક વિકેટે ૧૪૬ રન બનાવ્યા હતા. મૅચ બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં પાર્થિવ પટેલે કહ્યું હતું કે ‘અમારા સ્પિનરોની ઝડપમાં વિવિધતા હતી. વળી માત્ર પિચની મદદની આશા રાખ્યા વગર ઘણી વખત બૅટ્સમેનોને છેતર્યા હતા. મોહાલીમાં પણ આ જ વસ્તુ જોવા મળી હતી, કારણ કે ત્યાં પણ પિચ પાસેથી કોઈ મદદ નહોતી મળતી. લાલ માટીવાળી પિચ પર રન-રેટને અંકુશમાં રાખવો સહેલું નથી, પરંતુ એમ છતાં ગુરુવારે ત્રીજા સેશનમાં અમે શાનદાર વાપસી કરી હતી. અત્યારે અમે સારી સ્થિતિમાં છીએ.’

પિચ હજીયે બૅટ્સમેનો માટે મદદગાર : બટલર 


ભારતીય સ્પિનરોએ જ તમામ ૧૦ વિકેટ લીધી હતી એવી વાનખેડેની પિચ વિશે વાત કરતાં ઇંગ્લૅન્ડના ખેલાડી જૉસ બટલરે કહ્યું હતું કે આ પિચ હજી પણ બૅટ્સમેનો માટે મદદગાર છે. મોટા ભાગના બૉલ એકસરખી રીતે જ આવે છે. માત્ર એકાદ બૉલ ટર્ન થાય છે. ભારતીય સ્પિનરો સાથે તેમના જ ઘરઆંગણે રમવામાં મને બહુ મજા આવી. વળી અમારી ટીમ માટે એ આવશ્યક પણ હતું. પુજારા અને વિજય ઘણું સારું રમ્યા એમ છતાં હજી પણ ૨૫૦ કરતાં વધુ રન કરવાના બાકી છે. અમારા બોલરોએ લાઇન અને લેન્ગ્થ જાળવી રાખવી પડશે.’