૧૦ ખેલાડીઓ વચ્ચે સારસંભાળ રાખવા માટે માત્ર એક વ્યક્તિ હોવાનો આરોપ

03 September, 2012 05:38 AM IST  | 

૧૦ ખેલાડીઓ વચ્ચે સારસંભાળ રાખવા માટે માત્ર એક વ્યક્તિ હોવાનો આરોપ

લંડન: ૨૯ ઑગસ્ટથી શરૂ થયેલા આ રમતોત્સવમાં ભારતનું મેડલનું ખાતું હજી નથી ખૂલ્યું. જોકે એ માટે અમુક ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે અમારી સારસંભાળ અને મદદરૂપ માટે અપૂરતા એસ્કોર્ટને કારણે અમારા પર્ફોમન્સ પણ અસર થઈ રહી છે.

૨૦૧૦ એશિયન પૅરા ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર પાવરલિફ્ટર ફરમાન બાશાએ આ વિશે કહ્યું હતું કે ‘મને કોઈ એસ્કોર્ટ પૂરો પાડવામાં નથી આવ્યો. મારા કોચને પણ મારી સાથે રહેવાની છૂટ નથી. હું ૧૧ ઑગસ્ટથી લંડનમાં છું. ફેડરેશનના પ્રતિનિધિઓએ બધી જ વ્યવસ્થા થઈ જશે એવું પ્રૉમિસ આપ્યું હતું. અમારે જમવા માટે અડધો કિલોમીટર દૂર જવું પડે છે. પ્રૅક્ટિસ માટે જવાનું હોય છે પણ ૧૦ જણ વચ્ચે એક જ એસ્કોર્ટ અહીં ઉપલબ્ધ હોય છે. વ્હીલચૅર પર બધે ફરવાનું અગવડભર્યું છે અને આ બધાની અમારા પર્ફોમન્સ પર અસર થઈ રહી છે.’

જોકે ડિસ્ક્સ-થ્રોના ખેલાડી અમિતકુમારે અધિકારીઓ સંભાળ રાખવાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

ભારતની પૅરાલિમ્પિક કમિટીના અધિકારીઓએ પૂરતી એસ્કોર્ટ સર્વિસ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘દરેક ખેલાડી સાથે એક એસ્કોર્ટની જોગવાઈ ન હોવાથી આવી સમસ્યા સર્જાઈ રહી છે. ૧૦ ખેલાડીઓ સાથે ૬ વ્યક્તિઓને રમતના સંકુલમાં રહેવાની છૂટ મળી છે. જેટલી પણ વ્યક્તિ છે એનાથી ખેલાડીઓની બની શકે એટલી યોગ્ય રીતે સારસંભાળ રાખી રહ્યા છીએ. દરેકને એક-એક એસ્કોર્ટ આપવો શક્ય નથી.’

સ્પોર્ટ્સ-મિનિસ્ટર અજય માકને પણ ખેલાડીઓની સમસ્યાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓને યોગ્ય પગલાં લેવા સૂચના આપી હોવાનું સોશ્યલ નેટવર્ક સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું.