સસ્તામાં મોંઘીદાટ આઇટમો ખરીદવાના ચક્કરમાં પંતે ગુમાવ્યા ૧.૬૩ કરોડ રૂપિયા

23 May, 2022 07:53 AM IST  |  Mumbai | Faizan Khan

કીમતી ઘડિયાળો, બૅગ, મોબાઇલ, જ્વેલરી ખરીદી આપવાના બહાને હરિયાણાના ભૂતપૂર્વ ક્રિકેટરે પૈસા પડાવ્યા અને પછી ભરપાઈ માટેનો ચેક બાઉન્સ કર્યો : આરોપીને જુહુ પોલીસે પકડી લીધો છે

રિષભ પંત


મુંબઈ : સસ્તા ભાવે મોંઘીદાટ ઘડિયાળો અને મોંઘા મોબાઇલ ફોન પૂરા પાડવાના નામે અનેક લોકો સાથે કથિત છેતરપિંડી કરવા બદલ જુહુ પોલીસે પકડેલા હરિયાણાના ૨૩ વર્ષની ઉંમરના ભૂતપૂર્વ ક્રિકેટર મૃણાંક સિંહનો શિકાર ભારતીય ક્રિકેટર તથા દિલ્હી કૅપિટલ્સ ટીમનો કૅપ્ટન રિષભ પંત પણ થયો છે. ‘મિડ-ડે’ને જાણવા મળ્યું છે કે અન્ય લોકોને છેતરવા માટે જે મૉડસ ઑપરન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એવી જ કાર્યપદ્ધતિ રિષભ પંત સાથે પણ અજમાવવામાં આવી હતી. એમાં પંત સાથે ૧.૬૩ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.
પંત સાથે આ ચીટિંગ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અને પછી એ જ વર્ષના જૂનમાં કરવામાં આવી હતી. પંતે અને તેના મૅનેજર પુનિત સોલંકીએ આરોપીને વારંવાર કૉલ કર્યા ત્યાર બાદ આરોપીએ ૧.૬૩ કરોડ રૂપિયાનો ચેક પંતને મોકલ્યો હતો, પરંતુ એ બાઉન્સ થયો હતો.
પંતે તેના મૅનેજર મારફત દિલ્હીની સાકેત કોર્ટમાં નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટની કલમ ૧૪૩એ હેઠળ કેસ નોંધાવ્યો હતો. આ કલમ હેઠળની જોગવાઈ મુજબ ફરિયાદી ૨૦ ટકા સુધીના વચગાળાના વળતરના પેમેન્ટને પાત્ર બને છે. આ અદાલતે આર્થર રોડ જેલને વાકેફ કરતી નોટિસ મોકલી છે જે મુજબ આર્થર રોડ જેલે આગામી ૧૯ જુલાઈએ મૃણાંક સિંહને વિડિયો કૉન્ફરન્સિંગ મારફત સાકેત કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
પંતે મૅનેજર સોલંકી મારફત જે ફરિયાદ નોંધાવી છે એની કૉપી ‘મિડ-ડે’ને મળી છે. એમાં જણાવાયા મુજબ ‘આરોપી મૃણાંક સિંહ ૨૦૧૪-’૧૫ના વર્ષ દરમ્યાન ઝોનલ ક્રિકેટ ઍકૅડેમી ખાતે પંતને મળ્યો હતો. મૃણાંક ત્યારે ક્રિકેટર હતો એટલે પંત સાથે તેણે આસાનીથી દોસ્તીની શરૂઆત કરી હતી. ગયા વર્ષે મૃણાંકે પંતને તથા તેના મૅનેજરને જણાવ્યું હતું કે તેણે લક્ઝરી વૉચ, બૅગ, જ્વેલરી વગેરેના ખરીદ-વેચાણનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. પોતે કેટલાક ક્રિકેટરોને આ ચીજો વેચી રહ્યો હોવાની વાત કરીને પંત તથા તેના મૅનેજરને છેતરવાનું તેણે શરૂ કર્યું હતું. મૃણાંકે આ બન્નેને એવું પણ કહ્યું હતું કે તેમને તે સારા ડિસ્કાઉન્ટે અને સસ્તા ભાવે લક્ઝરી વૉચ તથા અન્ય ઍક્સેસરીઝ અપાવી શકે એમ છે. મૃણાંકે પંત અને તેના મૅનેજરને બદઇરાદાથી એવું પણ કહેલું કે જો તેમની પાસે લક્ઝરી વૉચ, જ્વેલરી અને અન્ય મૂલ્યવાન ચીજો હોય તો એ એક્સચેન્જ પણ કરાવી આપશે તેમ જ વેચી પણ આપશે. આરોપીની આ વાત માનીને પંતે એક લક્ઝરી વૉચ અને થોડી જ્વેલરી ફેબ્રુઆરી ૨૦૨૧માં આરોપીને આપી હતી. આરોપીએ એ બધી ચીજો વેચવા પંત પાસેથી ૬૫,૭૦,૭૩૧ રૂપિયામાં ખરીદી લીધી હતી.’
પંતની ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે ‘૨૦૨૧ની ૧૮ ફેબ્રુઆરીથી ૨૯ માર્ચ દરમ્યાન પંતે આરોપીને પોતાનાં વિવિધ બૅન્ક-અકાઉન્ટ્સમાંથી કુલ ૧,૦૧,૫૫,૧૨૦ રૂપિયા ચૂકવ્યા હતા. ફ્રૅન્ક મુલર વૅન્ગૉર્ડ યૉટિંગ સિરીઝ વૉચ તથા ક્રેઝી કલર વૉચ ખરીદવાના નામે પંત દ્વારા ૩૬,૨૫,૧૨૦ રૂપિયાનું અને રિચર્ડ મિલ વૉચ ખરીદવાના નામે ૬૨,૬૦,૦૦૦ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જોકે રિચર્ડ મિલ વૉચ બાબતમાં આરોપીએ પંતને કહેલું કે નવી રિચર્ડ મિલ વૉચની મૂળ કિંમત ૧,૫૨,૦૮૭.૮૪ જીબીપી (ગ્રેટ બ્રિટિશ પાઉન્ડ) છે અને એની રૂપિયામાં કિંમત અંદાજે ૧,૫૨,૦૦,૦૦૦ થાય. માર્ચમાં પંતે ફરી આરોપીને ૨,૭૦,૦૦૦ રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. પંત દ્વારા એ પેમેન્ટ ઑફવાઇટ ઍરો સ્ટેન્સિલ બૅગપૅક, ફેન્ડી એફએફમૉટિફ મેસેન્જર બૅગ, ગિવેન્શી, સ્પેક્ટર ગ્રૅડિયન્ટ પ્રિન્ટ બૅગ પૅક તેમ જ અન્ય બીજી કેટલીક જાણીતી બ્રૅન્ડની બૅગ્સ તથા ટેડી બેર પૅચ ખરીદવા માટે કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે પંત અને તેના મૅનેજરે આરોપીને છેલ્લા થોડા મહિના દરમ્યાન વારંવાર કહ્યું છે કે ખરીદવા માટે જે પ્રમાણે કહેલું એ ચીજો પહોંચાડ અથવા પૈસા પાછા આપ. છેવટે પંત અને મૅનેજરે આખી ડીલ રદ કરાવી જે અનુસાર બન્ને જણ કાનૂની રીતે આરોપી પાસેથી પૈસા પાછા મેળવવાને પાત્ર હતા જે અનુસાર આરોપી સાથે આપસની સંમતિને આધારે મૌખિક સમાધાન કરાયું અને પંતને આરોપી ૧,૬૩,૦૦,૦૦૦ રૂપિયા આપવા તૈયાર થયો હતો. ૨૦૨૧ની ૧૯ મેએ આરોપીએ પંતને આ રકમનો ચેક મોકલ્યો હતો જે અપૂરતા ફન્ડના કારણસર બાઉન્સ થયો હતો. બૅન્કે એ ચેક પાછો મોકલ્યો હતો. મૃણાંકે પંત સાથે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૨૦ હેઠળ છેતરપિંડી કરી છે. આરોપીએ જાણીજોઈને પોતાના બૅન્ક-ખાતામાં પૂરતું ફન્ડ નહોતું રાખ્યું.’
જુહુ પોલીસે આ મહિનાની શરૂઆતમાં મૃણાંક સિંહની ધરપકડ મુંબઈના એક બિઝનેસમૅન સાથે ૬ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ કરી હતી. આરોપીએ તેમને પણ સસ્તા ભાવે મોંઘી ઘડિયાળો અને મોબાઇલ ફોન ખરીદી આપવાના બહાને તેમની પાસેથી આ રકમ લીધી હતી. આરોપીએ કેટલીક હોટેલો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું મનાય છે. પોતે મુંબઈ ઇન્ડિયન્સનો ખેલાડી છે એવું કહીને તે આ હોટેલોમાં રહ્યો હતો અને પોતાનો મૅનેજર પેમેન્ટ કરી દેશે એવું તેણે આ હોટેલોને કહ્યું હતું. આ ઉપરાંત બીજા ઘણા લોકો પણ મૃણાંકની છેતરપિંડીના શિકાર થયા હોવાનું જુહુ પોલીસે જણાવ્યું હતું.

sports news Rishabh Pant