સેન્ચુરિયન પંત : છેલ્લી ટેસ્ટનો પરાક્રમી

02 July, 2022 05:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિષભે પાંચેપાંચ સેન્ચુરી સિરીઝની છેલ્લી ટેસ્ટમાં ફટકારી છે : જાડેજા પણ જોરમાં

સેન્ચુરિયન પંત : છેલ્લી ટેસ્ટનો પરાક્રમી

ગયા વર્ષે ચાર ટેસ્ટમાં ભારત ૨-૧થી આગળ રહ્યું અને કોવિડના કેસ બનતાં બાકી રાખવામાં આવેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટ ગઈ કાલે બર્મિંગહૅમમાં શરૂ થઈ એ સાથે જસપ્રીત બુમરાહની કરીઅરમાં કૅપ્ટન તરીકેનું નવું પ્રકરણ શરૂ થયું જ હતું, વિકેટકીપર-બૅટર રિષભ પંત અને રવીન્દ્ર જાડેજાની કારકિર્દીને પણ આ મૅચ નવો વળાંક આપી રહી છે.
પંતે ગઈ કાલે પાંચમી ટેસ્ટ-સદી ફટકારી હતી. યોગાનુયોગ એ પાંચ સેન્ચુરી સિરીઝની અંતિમ ટેસ્ટમાં ફટકારવામાં આવી છે. અગાઉની ચાર સદી આ મુજબ હતી : જાન્યુઆરી ૨૦૨૨માં કેપ ટાઉનમાં સાઉથ આફ્રિકા સામે ૧૦૦ અણનમ, માર્ચ ૨૦૨૧માં અમદાવાદમાં ઇંગ્લૅન્ડ સામે ૧૦૧, જાન્યુઆરી ૨૦૧૯માં સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામે ૧૫૯ અણનમ અને સપ્ટેમ્બર ૨૦૧૮માં ઓવલમાં ઇંગ્લૅન્ડ સામે ૧૧૪.
ગઈ કાલે રિષભ પંતે સેન્ચુરી જે ઓવરમાં ફટકારી એ જ ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ હાફ સેન્ચુરી પૂરી કરીને આગવી સ્ટાઇલમાં તલવાર વીંઝે એમ બૅટ વીંઝીને ટીમની આબરૂ સાચવતી ઇનિંગ્સને વધુ એન્ટરટેઇનિંગ બનાવી હતી.
ગઈ કાલે પહેલા સેશનમાં વરસાદને કારણે વિઘ્નો આવ્યાં હતાં અને પ્લેયરોએ લંચ વહેલું લેવું પડ્યું હતું. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ભારતના પાંચ વિકેટે ૨૮૯ રન હતા. રિષભ પંત (૧૨૯ નૉટઆઉટ, ૧૦૦ બૉલ, ત્રણ સિક્સર, ૧૭ ફોર) અને જાડેજા (પંચાવન રન, ૧૨૮ બૉલ, સાત ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૧૯૨ રનની ભાગીદારી થઈ ચૂકી હતી. પાંચમી વિકેટ પડી ત્યારે ભારતનો સ્કોર ૯૮ રન હતો. શુભમન ગિલ (૧૭), પુજારા (૧૩), હનુમા વિહારી (૨૦), કોહલી (૧૧) અને શ્રેયસ (૧૫) સસ્તામાં આઉટ થયા હતા. પાંચમાંથી ત્રણ વિકેટ ઍન્ડરસને અને બે વિકેટ મૅથ્યુ પૉટ્સે લીધી હતી.

sports news cricket news Rishabh Pant