પંત બન્યો નંબર-વન વિકેટકીપર-બૅટ્સમૅન

21 January, 2021 03:19 PM IST  |  Mumbai | Agencies

પંત બન્યો નંબર-વન વિકેટકીપર-બૅટ્સમૅન

પંત બન્યો નંબર-વન વિકેટકીપર-બૅટ્સમૅન

બ્રિસ્બેન ટેસ્ટ મૅચમાં રમેલી મૅચ વિનિંગ નાબાદ ૮૯ રનની પારીને લીધે રિષભ પંતને આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. આ પારી રમીને તે પોતાના કરીઅરની બેસ્ટ ૧૩મી રૅન્ક પર પહોંચી ગયો છે. સાથે-સાથે ટેસ્ટ ક્રિકેટનો તે બેસ્ટ વિકેટકીપર-બૅટ્સમૅન બની ગયો છે. પંતના ખાતામાં ૬૯૧ પૉઇન્ટ્સ જમા થયા છે. ઉલ્લેખનીય છે કે પંતે આ ઉછાળો મારી સાઉથ આફ્રિકન વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિન્ટન ડી કૉકને પણ પછાડ્યો છે. ડી કૉક આ યાદીમાં ૬૭૭ પૉઇન્ટ્સ સાથે ૧૫મા ક્રમે છે, જ્યારે ઉક્ત યાદીમાં સ્થાન મેળવનારો તે બીજો વિકેટકીપર-બૅટ્સમૅન છે.
ઑસ્ટ્રેલિયન પ્લેયર માર્નસ લબુશેને ભારત સામેની ટેસ્ટ મૅચમાં ફટકારેલી સેન્ચુરીને લીધે આઇસીસી ટેસ્ટ બૅટ્સમેનોની યાદીમાં તેણે વિરાટ કોહલીને પછાડીને ત્રીજો ક્રમ હાંસલ કરી લીધો છે. લબુશેન ૮૭૮ પૉઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો છે, જ્યારે કોહલી ૮૬૨ પૉઇન્ટ્સ સાથે ચોથા ક્રમે ખસી ગયો છે. વિલિયમસન ૯૧૯ પૉઇન્ટ્સ સાથે શીર્ષ સ્થાને બનેલો છે, જ્યારે સ્મિથ ૮૯૧ પૉઇન્ટ્સ સાથે બીજા ક્રમે બનેલો છે.
બ્રિસ્બેન ટેસ્ટમાં ૯૧ રનની પારી રમીને શુભમન ગિલ ૬૮મા ક્રમથી ઉપર વધી ૪૭મા ક્રમે આવી ગયો છે. ચેતેશ્વર પૂજારા આ યાદીમાં ૭૬૦ પૉઇન્ટ્સ સાથે સાતમા ક્રમે સ્થાન ધરાવે છે.
બોલરોની યાદીમાં મોહમ્મદ સિરાજ ૪૫મા સ્થાનેથી આગળ વધી ૩૨મા ક્રમે પહોંચી ગયો છે. વૉશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરને પણ બૅટ અને બૉલ વડે નોંધનીય પ્રદર્શન કરવાને લીધે આ યાદીમાં ઉછાળો લેવા મળ્યો છે. વૉશિંગ્ટન સુંદર બૅટ્સમેનોની યાદીમાં ૮૨મા ક્રમે અને બોલર્સની યાદીમાં ૯૭મા ક્રમે પહોંચવામાં સફળ થયો છે, જ્યારે શાર્દુલ ઠાકુર આ યાદીમાં અનુક્રમે ૧૧૩ અને ૬૫મા ક્રમે સ્થાન ધરાવે છે.

પંતમાં અસાધારણ પ્રતિભા છે : સ્ટીવ સ્મિથ

બ્રિસ્બેન ટેસ્ટ મૅચના હીરો રિષભ પંતના આજે ક્રિકેટ જગતમાં સૌકોઈ વખાણ કરી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ પ્લેયર સ્ટીવ સ્મિથે પણ પંતને અસાધારણ પ્રતિભા કહી તેનાં વખાણ કર્યાં હતાં. ગૅબા ટેસ્ટ મૅચની બીજી ઇનિંગમાં રિષભ પંતે નાબાદ ૮૯ રનની પારી રમી ટીમ ઇન્ડિયાને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પંતની પ્રશંસા કરતાં સ્મિથે કહ્યું કે ‘જે પ્રમાણે આપણે જોયું કે પંતમાં અસાધારણ પ્રતિભા છે. પાંચમા દિવસે તેણે ખરેખર ઘણી સારી રીતે પોતાની ઇનિંગ રમી. આપણે તેને ક્રિકેટની નાની ફૉર્મેટમાં રમતા જોયો છે, જેમાં તે વધારે સારો છે અને અહીં પણ તે જે પ્રમાણે બૉલને ફટકારતો હતો એને લીધે તેની ખાસ ઇનિંગ આજે જોવા મળી.’

sports news sports cricket news Rishabh Pant