પંકજ અડવાણીની ઐતિહાસિક ટ્રિપલ ડબલ કમાલ

31 October, 2014 06:00 AM IST  | 

પંકજ અડવાણીની ઐતિહાસિક ટ્રિપલ ડબલ કમાલ




લીડ્સ : ભારતના સ્ટારખેલાડી પંકજ અડવાણીએ ગઈ કાલે વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપની (ટાઇમ ફૉર્મેટ) ફાઇનલમાં ઇંગ્લૅન્ડના રૉબર્ટ હૉલને ૧૯૨૮-૮૯૩થી આસાનીથી હરાવીને ૧૨મું વર્લ્ડ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ૨૯ વર્ષનો પંકજ ગયા અઠવાડિયે દુનિયાના નંબર વન ખેલાડી પીટર ગિલક્રિસ્ટને પૉઇન્ટ-ફૉર્મેટ (૧૫૦-અપ)ની ફાઇનલમાં હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. આમ એક જ વર્ષમાં બન્ને ફૉર્મેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બનવાની કમાલ પંકજે ૨૦૦૫ અને ૨૦૦૮ બાદ ત્રીજી વાર કરી છે. આવી કમાલ કરનાર તે દુનિયાનો એકમાત્ર ખેલાડી બન્યો છે. આ પહેલાં પંકજ અને ઇંગ્લૅન્ડનો માઇક રસેલ (૨૦૧૦ અને ૨૦૧૧) ડબલ ચૅમ્પિયનશિપ બે-બે વાર જીતી ચૂક્યા છે.

ઐતિહાસિક જીત બાદ ખુશખુશાલ પંકજે કહ્યું હતું કે ‘ભારતની બહાર આવી ઐતિહાસિક જીત મેળવવા બદલ હું ઘણો ખુશ છું. મારી ખુશીને શબ્દોમાં વર્ણન કરવી મુશ્કેલ છે. આ ટુર્નામેન્ટ પહેલાં મેં શારીરિક અને માનસિક ફિટનેસ માટે ખૂબ જ મહેનત કરી હતી અને એણે આખરે રંગ રાખ્યો હતો. એ ઉપરાંત મારી આ જીત મારી મમ્મીના જન્મદિને મળી હોવાથી મારા માટે એ ખાસ બની ગઈ છે.’