નવો વર્લ્ડ રેકૉર્ડ : પહેલા પાંચ બૅટ્સમેનોનો ૮૦ પ્લસ સ્કોર

11 November, 2014 06:38 AM IST  | 

નવો વર્લ્ડ રેકૉર્ડ : પહેલા પાંચ બૅટ્સમેનોનો ૮૦ પ્લસ સ્કોર




અબુ ધાબી : ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝના અફલાતૂન બૅટિંગ-ફૉર્મને જાળવી રાખીને પાકિસ્તાનના પહેલા પાંચેય બૅટ્સમેનોએ ૮૦ પ્લસનો સ્કોર નોંધાવીને વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો અને પહેલી ઇનિંગ્સ ૩ વિકેટે ૫૬૬ રને ડિક્લેર કરીને ન્યુ ઝીલૅન્ડને પ્રેશરમાં મૂકી દીધું હતું. થાકેલા કિવીઓએ દિવસના અંતે ૭ ઓવરમાં વિનાવિકેટે ૧૫ રન બનાવ્યા હતા. પાકિસ્તાનના પહેલા પાંચેય બૅટ્સમેનોએ હાફ સેન્ચુરી ફટકારવાની કમાલ પાકિસ્તાને ગઈ કાલે પાંચમી વાર કરી હતી.

શેહઝાદ ઇન્જર્ડ

પાકિસ્તાને ગઈ કાલે એક વિકેટે ૨૬૯ રનથી આગળ રમતાં બીજી વિકેટ માટે ૧૬૯ રન ઉર્મેયા હતા. ઓપનર અહમદ શેહઝાદ કરીઅર-બેસ્ટ ૧૭૮ રનના સ્કોરે કમનસીબ રીતે હિટવિકેટ આઉટ થયો હતો. કોરી ઍન્ડરસનનો બાઉન્સર શેહઝાદ હુક કરવામાં ચૂકી ગયો હતો અને બૉલ તેની હેલ્મેટને વાગ્યો હતો. શેહઝાદ અસહ્ય દર્દને લીધે પડી ગયો હતો અને તેનું બૅટ દુભાગ્ર્યપૂર્ણ રીતે સ્ટમ્પ્સને અથડાતાં તે હિટવિકેટ થયો હતો અને કરીઅરની પહેલી ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેને હૉસ્પિટલમાં દાખલ કરાતાં સ્કલમાં માઇનર ફ્રૅક્ચર હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. અઝહર અલી પણ ૮૭ના સ્કોરે ઈશ સોઢીના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. ત્યાર બાદ કૅપ્ટન મિસ્બાહ-ઉલ-હક અને યુસુન ખાને તેમનું કમાલનું ફૉર્મ જાળવી રાખીને વધુ એક-એક સદી ફટકારી હતી. યુનુસ ખાન ૧૦૦ અને મિસ્બાહ-ઉલ-હક ૧૦૨ સાથે અણનમ રહ્યા હતા. ઓપનર મોહમ્મદ હાફિઝ પહેલા દિવસે ૯૬ રન બનાવીને આઉટ થયો હતો, આમ પહેલા પાંચેય ખેલાડીઓએ ૮૦ કરતાં વધુનો સ્કોર નોંધાવીને ટેસ્ટ-ક્રિકેટમાં નવો રેકૉર્ડ કર્યો હતો.

ભારત રેકૉર્ડ ચૂકી ગયું હતું

જોકે ભારત ૧૯૯૮માં ઑસ્ટ્રેલિયા સામે કલકત્તાની એક ટેસ્ટમાં આવી કમાલ સહેજ માટે ચૂકી ગયું હતું. એ મૅચમાં લક્ષ્મણ ૯૫, નવજોત સિંધુ ૯૭, રાહુલ દ્રવિડ ૮૬ અને મોહમ્મદ અઝહરુદ્દીને ૧૬૩ રન બનાવ્યા હતા, પણ સચિન તેન્ડુલકર ૭૯ રને આઉટ થઈ ગયો હતો.