પ્રથમ ટી20માં પાકિસ્તાનનો વિજય

08 November, 2020 01:07 PM IST  |  Rawalpindi | Mumbai Correspondent

પ્રથમ ટી20માં પાકિસ્તાનનો વિજય

પાકિસ્તાનની ટીમ

ગઈ કાલે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી૨૦ મૅચ પાકિસ્તાને ૬ વિકેટે જીતી લીધી હતી. ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં ઝિમ્બાબ્વેએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. જેમાં ૨૦ વર્ષના વેસ્લી મેધેવેરેના ૪૮ બૉલમાં અેક સિક્સર અને ૯ ફોર સાથે બનાવેલા ૭૦ રન હાઇઅેસ્ટ હતા. પાકિસ્તાને કૅપ્ટન બાબર આઝમની ૫૫ બૉલમાં ૮૨ રનની ઇનિગ્સંના જોરે ૧૮.૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૫૭ રન કરી મૅચ જીતી લીધી હતી. આ સાથે પાકિસ્તાને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી હતી. બીજી ટી૨૦ આજે અને છેલ્લી મંગળવારે રમાશે.

બૉલ પર લાળ લગાડવા બદલ વહાબ રિયાઝને વૉર્નિંગ

ગઈ કાલે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી૨૦માં અનુભવી પાકિસ્તાની પેસ બોલર વહાબ રિયાઝને બૉલ પર લાળ લગાડવા બદલ અમ્પાયર્સે વૉર્નિંગ આપી હતી. ૧૧મી ઓવરમાં બનેલી ઘટના બાદ અમ્પાયરે વહાબને વૉર્નિંગ આપીને બૉલને ગ્રાઉન્ડ પર મૂકી દેવાનું કહ્યું હતું. મૅચ અટકાવી દેવામાં આવી હતી અને બૉલને પ્રોપર સૅનિટાઇઝ કર્યા બાદ જ ફરી શરૂ કરવામાં આવી હતી.

‌ભૂતપૂર્વ કૅપ્ટન ચિગુમ્બુરા સંન્યાસ લેશે

ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ કૅપ્ટન ઍલ્ટન ચિગુમ્બુરા હાલમાં ચાલી રહેલી પાકિસ્તાન સામેની સિરીઝ બાદ બધાં જ ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ લઈ લેશે. ૩૪ વર્ષના ચિગુમ્બુરાની આ સાથે ૧૬ વર્ષની કરીઅરનો અંત આવી જશે. ભૂતપૂર્વ કૅપ્ટન ચિગુમ્બુરા ઝિમ્બાબ્વે વતી ૧૪ ટેસ્ટ, ૨૧૩ વન-ડે અને ૫૫ ટી૨૦ મૅચ રમ્યો છે. અે ઝિમ્બાબ્વે વતી ૪૦૦૦ રન અને ૧૦૦ વિકેટની ડબલ કમાલ કરનાર ગ્રાન્ટ ફ્લાવર બાદ બીજો ખેલાડી છે. ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામેની શાનદાર જીતમાં ચિગુમ્બુરાઅે ૨૦ રનમાં ૩ વિકેટ સાથે મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.

pakistan zimbabwe cricket news sports news t20 international