અગિયારમા નંબરના બૅટ્સમૅનની ફટકાબાજીને ઓપનરોએ ઝાંખી પાડી

23 October, 2012 05:38 AM IST  | 

અગિયારમા નંબરના બૅટ્સમૅનની ફટકાબાજીને ઓપનરોએ ઝાંખી પાડી



કરાચી: કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી સિરીઝની બીજી અને છેલ્લી વ્૨૦ મૅચમાં પાકિસ્તાન ઑલ સ્ટાર ઇલેવને ઇન્ટરનૅશનલ વર્લ્ડ ઇલેવનને ૬ વિકેટે પરાજય આપ્યો હતો. ઇન્ટરનૅશનલ ઇલેવનનો અગિયારમા નંબરનો બૅટ્સમૅન નૅન્ટી હેવર્ડ (૪૨ નૉટઆઉટ, ૧૬ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) ફટકાબાજી કરવા છતાં ટીમને ડિફેન્ડેબેલ ટોટલ નહોતો અપાવી શક્યો. તેની આ ઇનિંગ્સને પાકિસ્તાન ઑલ સ્ટાર ઇલેવનના ઓપનરો ઇમરાન નઝીર (૫૩ રન, ૩૩ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) અને શાહઝૈબ હસન (૩૯ રન, ૧૯ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની ૮૭ રનની ફટકાબાજીએ ઝાંખી પાડી હતી.

આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ફરી પાકિસ્તાન તરફ આકર્ષવાના હેતુથી રાખવામાં આવેલી આ સિરીઝની શનિવારની પ્રથમ મૅચમાં પાકિસ્તાન ઑલ સ્ટાર ઇલેવનની ૮૪ રનથી જીત થઈ હતી.

રવિવારે ઇન્ટરનૅશનલ વર્લ્ડ ઇલેવને ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૨ રન બનાવ્યા હતા જેમાંથી ૪૨ રન છેલ્લા બૅટ્સમૅન હેવર્ડના હતા. કૅપ્ટન સનથ જયસૂર્યા ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. શનિવારના હૅટ-ટ્રિકમૅન પેસબોલર તાબિશ ખાને બે અને ફરાઝ અહમદ નામના લેફ્ટી સ્પિનરે ત્રણ વિકેટ લીધી હતી.

પાકિસ્તાન ઑલ સ્ટાર ઇલેવને ૧૬.૪ ઓવરમાં ચાર વિકેટે ૧૪૫ રન બનાવી લીધા હતા.

આઉટ-ઑફ-ફૉર્મ શાહિદ આફ્રિદીને આ મૅચમાં નહોતો લેવામાં આવ્યો. શનિવારનો મૅચવિનર ઉમર અકમલ માત્ર છ રન બનાવી શક્યો હતો.