પાકિસ્તાનની સૌથી મોટી જીત

04 November, 2014 05:38 AM IST  | 

પાકિસ્તાનની સૌથી મોટી જીત




૨૦ વર્ષ બાદ પાકિસ્તાને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ જીતી લીધી છે. એણે અબુ ધાબીમાં રમાયેલી બીજી તથા છેલ્લી ટેસ્ટમાં ૩૫૬ રનના રેકૉર્ડ માર્જિનથી જીત મેળવીને ૨-૦થી ક્લીન સ્વીપ કરી છે. આ શાનદાર જીતને કારણે ત્ઘ્ઘ્ ટેસ્ટ-રૅન્કિંગ્સમાં પાકિસ્તાન ત્રીજા ક્રમાંક પર આવી ગયું છે. ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન સ્ટીવન સ્મિથે ૯૭ રન કરીને પાકિસ્તાનની જીતને થોડી લંબાવી હતી, પરંતુ તેની વિકેટ પડતાં જ ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સ પૂરી થતાં વાર ન લાગી. એની છેલ્લી પાંચ વિકેટ ૪૩ બૉલ અને આઠ રનની અંદર જ પડી ગઈ હતી. ઑસ્ટ્રેલિયા લામે ૬૦૩ રનનો લક્ષ્યાંક હતો, પરંતુ એની સમગ્ર ટીમ પાંચમા દિવસે લંચ બાદ ૨૪૬ રને ઑલઆઉટ થઈ ગઈ. ઑસ્ટ્રેલિયાના બૅટ્સમેનો ફરીથી સ્પિનરો સામે નિષ્ફળ સાબિત થયા હતા.

સ્પિનર ઝુલ્ફીકાર બાબરે ૧૨૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. લેગ સ્પિનર યાસિર શાહે ૪૪ રન આપીને ત્રણ વિકેટ તથા ઑફ સ્પિનર મોહમ્મદ હાફિઝે ૩૮ રન આપીને બે વિકેટ લીધી હતી. પરિણામે પાકિસ્તાન રનોના આધારે સૌથી મોટી જીત મેળવવામાં સફળ થયું હતું. એ પહેલાં ૨૦૦૬માં કરાચીમાં એણે ભારતને ૩૪૧ રનથી હરાવ્યું હતું. પાકિસ્તાનના કૅપ્ટન મિસ્બાહ-ઉલ-હકને મૅન ઑફ ધ મૅચ તથા યુનુસ ખાનને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન દુબઈમાં રમાયેલી પહેલી ટેસ્ટ ૨૨૧ રનથી જીત્યું હતું.

પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા ટેસ્ટ-મૅચના ચમકારા

બૅટિંગ તથા બોલિંગ ઍવરેજ જોતાં ઑસ્ટ્રેલિયા માટે સૌથી ખરાબ સિરીઝ

૧૦૦ કરતાં ઓછા રનમાં ઑસ્ટ્રેલિયાએ કોઈ સિરીઝમાં પાંચ વિકેટ ગુમાવી હોય એવો આ બીજો બનાવ

ઑસ્ટ્રલિયા સામે ૩૦૦ કરતાં વધુ રનની લીડ મળી એવું ૨૬ વર્ષ પહેલાં બન્યું હતું

૨૧ બૉલમાં ૫૦ રન ફટકારીને સૌથી ઝડપી હાફ સેન્ચુરી કર્યાનો મિસ્બાહ-ઉલ-હકનો નવો વર્લ્ડ રેકૉર્ડ

સાઉથ આફ્રિકા તથા ઑસ્ટ્રેલિયા બાદ ટેસ્ટ-રૅન્કિંગ્સમાં ત્રીજા ક્રમાંકે પહોંચી પાકિસ્તાની ટીમ