પાક. મેદાનમાં પણ તકલીફમાં : શ્રીલંકાના ૨ વિકેટે ૨૪૫

04 November, 2011 06:55 PM IST  | 

પાક. મેદાનમાં પણ તકલીફમાં : શ્રીલંકાના ૨ વિકેટે ૨૪૫

શારજાહમાં ૯ વર્ષે ટેસ્ટમૅચ (ટેન સ્પોર્ટ્સ પર સવારે ૧૧.૩૦)નું કમબૅક થયું છે, પરંતુ આ અવસરનો પ્રથમ દિવસ આ સ્થળે એક સમયે બાદશાહ ગણાતા પાકિસ્તાનના વળતા પાણી જોવા મળ્યા હતા. સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ગઈ કાલના પ્રથમ દિવસે શ્રીલંકાએ ૨૪૫ રન બનાવ્યા હતા અને એની માત્ર બે વિકેટ પડી હતી.

શારજાહની વિકેટ બોલરો માટે ઓછી મદદરૂપ છે અને એના પર ઉમર ગુલે પહેલી જ ઓવરમાં થરંગા પરાનાવિતાનાની વિકેટ લીધી ત્યાર પછી ૬૧મી ઓવરમાં સઈદ અજમલને કૅપ્ટન તિલકરત્ને દિલશાન (૯૨ રન, ૧૬૮ બૉલ, ૧ સિક્સર, ૧૨ ફોર)ની વિકેટ મળી હતી. જોકે એ પહેલાં દિલશાન અને કુમાર સંગકારા (૧૧૨ નૉટઆઉટ, ૨૬૩ બૉલ, બે સિક્સર, ૧૧ ફોર)એ ૧૭૩ રનની ભાગીદારીથી ટીમનો પાયો મજબૂત કરી લીધો હતો.

માત્ર ૮ રન માટે ૧૩મી ટેસ્ટસદી ચૂકી ગયેલો દિલશાન ઘણા મહિને મિડલ-ઑર્ડર છોડીને ગઈ કાલે પાછો ઓપનિંગમાં રમવા આવ્યો હતો અને તેણે અસલ ટચ મેળવી લીધો હતો. તેણે મિડલમાં રમીને આગલી પાંચ ટેસ્ટમાં માત્ર એક હાફ સેન્ચુરી કરી હતી. પાકિસ્તાન સિરીઝમાં ૧-૦થી આગળ છે.

સંગકારાના ૯૦૦૦ રન, ૨૭મી સદી

કુમાર સંગકારા ગઈ કાલે ટેસ્ટમાં ૯૦૦૦ રન પૂરા કરનાર બીજો શ્રીલંકન બન્યો હતો. તેના પહેલાં આ સિદ્ધિ મેળવનાર માહેલા જયવર્દનેના અત્યારે ૯૯૨૭ રન છે. સંગકારાએ ગઈ કાલે ૨૭મી ટેસ્ટસદી ફટકારી હતી. તેની ૨૭માંથી ૮ ડબલ સેન્ચુરી છે. ગઈ કાલે તેની સાથે જયવર્દને ૩૨ રને નૉટઆઉટ હતો.