સાઉથ આફ્રિકા ૨૭૪ રનમાં ઑલઆઉટ થતાં પાકિસ્તાન ૨-૦થી સિરીઝ જીત્યું

09 February, 2021 08:29 AM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા ૨૭૪ રનમાં ઑલઆઉટ થતાં પાકિસ્તાન ૨-૦થી સિરીઝ જીત્યું

મૅચ અને સિરીઝ જીત્યા બાદ ટ્રોફી સાથે જશન મનાવતા પાકિસ્તાનના ખેલાડીઓ. (તસવીર: પી.ટી.આઇ.)

પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મૅચ જીતવાની સાઉથ આફ્રિકા પાસે ગઈ કાલે ઘણી સારી તક હતી, પણ એ તેમણે ગુમાવી દેતાં એણે બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. બીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકન ટીમ ૨૭૪ રનમાં ઑલઆઉટ થતાં પાકિસ્તાને બીજી ટેસ્ટ મૅચ ૯૫ રનથી જીતી લીધી હતી. મૅચમાં ૧૦ વિકેટ લેનાર હસન અલીને પ્લેયર ઑફ ધ મૅચ અને મોહમ્મદ રીઝવાનને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ કરાચીની મૅચ પણ આફ્રિકાએ ૭ વિકેટે ગુમાવી દીધી હતી.

પાંચમા દિવસે એક વિકેટે ૧૨૭ રનથી આગળ રમવા ઊતરેલી સાઉથ આફ્રિકાએ રેસિસ વૅન ડેર ડુસન રૂપે દિવસની પહેલી વિકેટ ગુમાવી હતી. તે હાફ સેન્ચુરીથી બે રન ચૂકી ગયો હતો. ત્યાર બાદ ફૅફ ડુ પ્લેસિસ પણ ખાસ કંઈ ન કરી શકતાં માત્ર પાંચ રને આઉટ થયો હતો. જોકે ચોથી વિકેટ માટે ઓપનર એઇડન માર્કરમ અને ટેમ્બા બવુમા વચ્ચે ૧૦૭ રનની પાર્ટનરશિપ થઈ હતી. એઇડન માર્કરમે ૨૪૩ બૉલમાં ૧૩ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારીને શાનદાર ૧૦૮ રન કર્યા હતા. ૮૨મી ઓવરના પહેલા બૉલમાં હસન અલીએ એઇડન માર્કરમને આઉટ કર્યા બાદ બીજા જ બૉલમાં ક્વિન્ટન ડિકોકને ડક આઉટ કર્યો હતો, પણ તે હૅટટ્રિક નહોતો લઈ શક્યો. ટેમ્બા બવુમા પણ થોડા સમય બાદ ૬૧ રને આઉટ થતાં ટીમની જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. સાઉથ આફ્રિકાના ત્રણ પ્લેયર ઝીરોમાં આઉટ થયા હતા. નોંધનીય છે કે ચોથા દિવસે બીજી ઇનિંગની મજબૂત શરૂઆત કરનાર મહેમાન ટીમે છેલ્લી સાત વિકેટ માત્ર ૩૩ રનમાં ગુમાવી હતી. હસન અ‍લીએ પાંચ અને શાહીન આફ્રિદીએ ચાર, જ્યારે યાસિર શાહે એક વિકેટ લીધી હતી. બન્ને ટીમ વચ્ચે ૧૧ ફેબ્રુઆરીથી હવે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ લાહોરમાં રમાશે.

18 - પાકિસ્તાને છેલ્લે આટલાં વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૩માં સાઉથ આફ્રિકાને ટેસ્ટ સિરીઝમાં પરાજય આપ્યો હતો.

5 - આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પાકિસ્તાન સિરીઝ જીતીને આટલામા ક્રમે પહોંચી ગઈ છે.

મેદાનમાં આવી બિલાડી

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના ચોથા દિવસે જ્યારે સાઉથ આફ્રિકન ટીમ એક વિકેટે ૮૯ રને બૅટિંગ કરી રહી હતી ત્યારે અચાનક મેદાનમાં એક બિલાડી ઘૂસી આવી હતી. કોઈ પણ ટીમના પ્લેઇંગ સ્ક્વૉડમાં સામેલ ન થયેલી આ અજાણી મહેમાનને અઝહર અલીએ મેદાનની બહાર મોકલી આપી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જોકે વિકેટકીપર મોહમ્મદ રીઝવાન અઝહર અલીની ટીખળ કરતો સંભળાયો હતો, જેમાં તે કહેતો હતો, ‘અઝ્ઝુભાઈ, એની પાછળ ન જાઓ. એણે ટેસ્ટ નથી કરાવી અને એ આપણા બબલમાં પણ નથી.’

sports news sports cricket news pakistan south africa test cricket