01 February, 2026 09:27 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે જીતી ગયા બાદ સેલિબ્રેશન કરતી પાકિસ્તાની ટીમ
યજમાન પાકિસ્તાન સામેની ૩ T20 મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ સતત બે હાર સાથે સિરીઝ ગુમાવી છે. ટ્રૅવિસ હેડની આગેવાનીમાં પહેલી મૅચ બાવીસ રને હાર્યા બાદ ગઈ કાલે રેગ્યુલર કૅપ્ટન મિચલ માર્શની વાપસી છતાં ઑસ્ટ્રેલિયા ૯૦ રને હાર્યું હતું. પાકિસ્તાનના ૧૯૯ રનના ટાર્ગેટ સામે ૧૫.૪ ઓવરમાં ૧૦૮ રને ઑસ્ટ્રેલિયન ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. ૨૦૧૮માં પહેલી વખત પાકિસ્તાન આ ટીમ સામે T20 સિરીઝ જીત્યું છે. છેલ્લાં સાત વર્ષમાં કાંગારૂઓ આ ટીમ સામે સતત ૩ સિરીઝ જીત્યા છે.
બીજી T20 મૅચમાં કૅપ્ટન સલમાન અલી આગાની ૪૦ બૉલમાં ૭૬ રન અને ઉસ્માન ખાનની ૩૬ બૉલમાં ૫૩ રનની ઇનિંગ્સના આધારે પાકિસ્તાને પાંચ વિકેટે આ હરીફ ટીમ સામેનો હમણાં સુધીનો સૌથી મોટો ૧૯૮ રનનો સ્કોર કર્યો હતો. મહેમાન ટીમ તરફથી લાહોરમાં કૅમરન ગ્રીન જ ૨૦ બૉલમાં ૩૫ રનની મોટી ઇનિંગ્સ રમી શક્યો હતો. પાકિસ્તાની સ્પિનર શાદાબ ખાન અને અબ્રાર અહમદને ૩-૩ વિકેટ મળી હતી. આ બે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ પોતાની ૧૮માંથી ૧૬ વિકેટ સ્પિન બોલિંગ સામે અને બે વિકેટ રનઆઉટને કારણે ગુમાવી હતી.
પાકિસ્તાન સામે હમણાં સુધીની સૌથી મોટી ૯૦ રનની હાર અને સિરીઝના ખરાબ રિઝલ્ટને કારણે T20 વર્લ્ડ કપ પહેલાં કાંગારૂઓની આબરૂને જબરદસ્ત ઠેસ પહોંચી છે. જોકે ઑસ્ટ્રેલિયન ટીમમાં હાલમાં ટિમ ડેવિડ, ગ્લેન મૅક્સવેલ અને જૉશ હેઝલવુડ જેવા દમદાર ક્રિકેટર્સ ઉપલબ્ધ નથી. બન્ને ટીમ વચ્ચે આજે ત્રીજી T20 મૅચ રમાશે જેમાં ઑસ્ટ્રેલિયા ક્લીન સ્વીપથી બચવાનો પ્રયાસ કરશે.