હૉન્ગ કૉન્ગ સિક્સિસમાં પાકિસ્તાન સામે ભારત હાર્યું

28 October, 2012 05:04 AM IST  | 

હૉન્ગ કૉન્ગ સિક્સિસમાં પાકિસ્તાન સામે ભારત હાર્યું



હૉન્ગ કૉન્ગ : દર વર્ષે હૉન્ગ કૉન્ગમાં વિવિધ દેશોના ભૂતપૂર્વ અને વર્તમાન પ્લેયરોની ટીમો વચ્ચે રમાતી બે દિવસની હૉન્ગ કૉન્ગ સિક્સિસ ટુર્નામેન્ટ (ઈએસપીએન પર સવારે ૬.૩૦)માં ગઈ કાલના પ્રથમ દિવસે ભારત ત્રણમાંથી બે મૅચ હારી ગયું હતું. ભારતે નેધરલૅન્ડ્સ સામે જીત મેળવી હતી, પરંતુ પછી શ્રીલંકા અને પાકિસ્તાન સામે પરાજય જોવો પડ્યો હતો.

નવાઈની વાત એ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે છેલ્લી ઘડીએ ભારતના જાણીતા પ્લેયરોથી બનેલી ટીમને હૉન્ગ કૉન્ગની આ સ્પર્ધામાં રમવાની મનાઈ કરી હોવાથી આયોજકોએ ક્રિકેટજગતમાં સાવ અજાણ્યા કહી શકાય એવા ખેલાડીઓની ટીમ બનાવીને સ્પર્ધામાં ઉતારી હતી.

ભારતીય બોર્ડની મનાઈ કેમ?

ભારતીય બોર્ડને હૉન્ગ કૉન્ગની ટુર્નામેન્ટમાં ભૂતપૂર્વ પ્લેયરો ભાગ લે એ સામે કોઈ વાંધો નથી, પરંતુ વર્તમાન પ્લેયરોને રમવાની મનાઈ છે. બોર્ડના ચીફ ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર રત્નાકર શેટ્ટીના મતે આ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ નથી અને ભારત અગાઉ પણ એકવાર પોતાના ખેલાડીઓને નહોતા મોકલ્યા.

મૂળ ટીમમાં કોણ હતું?

ભારતની મૂળ ટીમમાં પ્રવીણકુમાર, પૉલ વાલ્થટી, સિદ્ધાર્થ ત્રિવેદી, અન્ડર-૧૯ વર્લ્ડ કપના ચૅમ્પિયન બોલર સંદીપ શર્મા તેમ જ અજિત ચાન્ડિલા, સિદ્ધાર્થ ચિટનીસ અને ઇશાન મલ્હોત્રાનો સમાવેશ હતો.

પરાજિત ટીમમાં કોણ હતું?

ભારતીય ક્રિકેટ બોર્ડની મનાઈને કારણે પ્રવીણકુમાર અને બીજા ખેલાડીઓ ટુર્નામેન્ટમાં નહોતા જઈ શક્યા અને તેમના બદલે ટીમમાં સમાવવામાં આવેલા આ ખેલાડીઓ હતા : શફીક ખાન (કૅપ્ટન), અમિત ઉનિયાલ, મૃણાલ સૈની, નીરજ ચૌહાણ, સુમીત અબ્બી અને ધરમેન્દર ફાગ્ના.

ટુર્નામેન્ટના નિયમો શું છે?


સિક્સ-અ-સાઇડ તરીકે ઓળખાતી આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ છ પ્લેયરો લઈને મેદાન પર ઉતરે છે અને પ્રત્યેક ટીમની ઇનિંગ્સ વધુમાં વધુ પાંચ ઓવરની હોય છે. દરેક બોલરને એક જ ઓવર બોલિંગ કરવા મળે છે. વાઇડ અને નો બૉલના બે રન આપવામાં આવે છે. જો પાંચમી ઓવર પૂરી થયા પહેલાં પાંચ વિકેટ પડી જાય તો છઠ્ઠો બૅટ્સમૅન પાંચમા બૅટ્સમૅનની રનર તરીકે મદદ લઈને રમે છે.

ભારત કોની સામે કેવું રમ્યું?

ભારત (પાંચ ઓવરમાં ત્રણ વિકેટે ૬૯)નો નેધરલૅન્ડ્સ (પાંચ ઓવરમાં ચાર વિકેટે ૬૦) સામે ૯ રનથી વિજય.

શ્રીલંકા (પાંચ ઓવરમાં બે વિકેટે ૧૦૪) સામે ભારત (પાંચ ઓવરમાં ચાર વિકેટે ૬૭)ની ૩૭ રનથી હાર.

ભારત (પાંચ ઓવરમાં ત્રણ વિકેટે ૭૦)નો પાકિસ્તાન (૩.૩ ઓવરમાં એક વિકેટે ૭૩) સામે પાંચ વિકેટે પરાજય.

નોંધ : શ્રીલંકાની કૅપ્ટન્સી જેહાન મુબારકે અને પાકિસ્તાનનું સુકાન કામરાન અકમલે સંભાળ્યું હતું. પાકિસ્તાની ટીમની બીજા પ્લેયરોમાં ઉમર અકમલ, તનવીર અહમદ, અવેઇસ ઝિયા, હમદ આઝમ અને જુનૈદ ખાનનો સમાવેશ હતો.