પાકિસ્તાન સુપર લીગ પોસ્ટપોન, કોરોનાની સંખ્યા 7 થતાં પીસીબીનો નિર્ણય

05 March, 2021 10:47 AM IST  |  Karachi | Agency

પાકિસ્તાન સુપર લીગ પોસ્ટપોન, કોરોનાની સંખ્યા 7 થતાં પીસીબીનો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

હાલમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં ૩ વધુ દરદીને કોરોના આવતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ટી૨૦ ટુર્નામેન્ટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. કોરોનાના ત્રણ વધારે કેસ આવતાં કુલ કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા ૭ થઈ છે. આ ૭માંથી ૬ દરદી ખેલાડીઓ છે અને એક વ્યક્તિ સપોર્ટ-સ્ટાફનો મેમ્બર છે.

પીએસએલની છઠ્ઠી સીઝન મોકૂફ રાખતાં પીસીબીએ જણાવ્યું કે ‘ટીમના માલિકો સાથે મીટિંગ કર્યા બાદ પ્લેયર્સના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સુપર લીગની છઠ્ઠી સીઝન તાત્કાલિક ધોરણે મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૭ કેસ આવ્યા હોવાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’

આ ઉપરાંત પીસીબીએ કહ્યું કે ‘અમે દરેક પ્રતિસ્પર્ધીઓને સુરક્ષિત રીતે રવાના કરવા પર ધ્યાન પીશું જેમાં તેમની કોરોના-ટેસ્ટ, વૅક્સિનેશન અને આઇસોલેશનનો પણ સમાવેશ કરીશું. જે ત્રણ નવા ખેલાડીઓ બુધવારે કોરોનાગ્રસ્ત જોવા મ‍ળ્યા હતા તેઓ પીએસએલની બે મૅચનો હિસ્સો નહોતા. તેમનામાં આ બીમારીનાં લક્ષણ જોવા મ‍ળ્યા બાદ તેમને ચેકઅપ માટે મોકલી દેવામાં આવ્યા હતા.’

જોકે ઇંગ્લૅન્ડના ટૉમ બેન્ટને દાવો કર્યો હતો કે કોરોના-પૉઝિટિવ થનારા બે વિદેશી પ્લેયરોમાંનો તે એક છે અને તેણે પોતાને સેલ્ફ આઇસોલેટ કર્યો છે.

cricket news sports news coronavirus covid19