પાકિસ્તાને ભારતનો પ્રવાસ ન કરવો જોઈએ : એહસાન મની

11 December, 2012 08:07 AM IST  | 

પાકિસ્તાને ભારતનો પ્રવાસ ન કરવો જોઈએ : એહસાન મની




કરાચી : ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ એહસાન મનીએ આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલી પાકિસ્તાનની મિની ટૂર (ત્રણ વન-ડે અને બે T20) વિશે નારાજગી વ્યક્ત કરી હતી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ટીકા કરી હતી. પાકિસ્તાનની વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં મનીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભારત સામેની મિની સિરીઝનો સ્વીકાર કરવાનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો નિર્ણય યોગ્ય નથી. જો આ પૉલિટિકલ નિર્ણય હોય તો ક્રિકેટ બોર્ડે પૉલિટિશ્યનો પાસેથી ખાતરી લેવી જોઈતી હતી કે ભારતે પણ પાકિસ્તાનની ટૂર કરવી પડશે.’

૨૦૦૩માં પ્રમુખ બનતાં પહેલાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલમાં પાકિસ્તાનના પ્રતિનિધિ રહી ચૂકેલા મનીએ કહ્યું હતું કે ‘મારા મત પ્રમાણે પાકિસ્તાને ભારતમાં બિલકુલ ન જવું જોઈએ. મુંબઈ પર થયેલા અટૅક પછી ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એકલું પાડી દીધું હતું. ભારતે પાકિસ્તાનની બે ટૂર રદ કરીને બોર્ડને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યુંં હતું અને હવે પાકિસ્તાનની આ ટૂરથી તેઓ કરોડો રૂપિયા કમાશે તથા તેઓ પાકિસ્તાનની વળતી ટૂર કરશે એની કોઈ ખાતરી નથી. આ

ટૂરથી પાકિસ્તાનને કોઈ ફાયદો નથી થવાનો.’