સુપરઓવરમાં હાર્યું પાકિસ્તાનઃ પાકિસ્તાન-ઝિમ્બાબ્વે બન્નેના ૨૭૮ રન

04 November, 2020 12:07 PM IST  |  Rawalpindi | Agencies

સુપરઓવરમાં હાર્યું પાકિસ્તાનઃ પાકિસ્તાન-ઝિમ્બાબ્વે બન્નેના ૨૭૮ રન

પાકિસ્તાન ટીમ

પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ગઈ કાલે રમાયેલી ત્રીજી વન-ડે અત્યંત રોમાંચક રહી હતી. બન્ને ટીમનો એકસરખો સ્કોર થતાં મૅચ સુપરઓવરમાં પહોંચી હતી જેમાં ત્રણ બૉલ બાકી રાખી ઝિમ્બાબ્વેએ બાજી મારીને વાઇટવૉશથી પોતાનો બચાવ કર્યો હતો. પાકિસ્તાન-ઝિમ્બાબ્વે બન્નેએ ૨૭૮ રન બનાવ્યા હતા.
મહેમાન ટીમે ટૉસ જીતી પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમે ખાતું ખોલાવ્યા વિના બીજી ઓવરમાં કૅપ્ટન ચીમુ ચીભાભાની વિકેટ ગુમાવી હતી. શરૂઆતની ત્રણ વિકેટ ઝિમ્બાબ્વેએ માત્ર ૨૨ રનમાં ગુમાવી દીધી હતી. ચોથી વિકેટ માટે વિકેટકીપર બ્રેન્ડન ટેલર અને શૉન વિલિયમ્સ વચ્ચે ૮૪ રનની પાર્ટનરશિપ થઈ હતી. બ્રેન્ડન ટેલર ૫૬ રન બનાવીને આઉટ થયો હતો જ્યારે વિલિયમ્સ ૧૧૮ રન સાથે નૉટઆઉટ રહ્યો હતો. વેસ્લી મધેવેરે ૩૩ રન અને સિકંદર રઝા ૪૫ રન કરી આઉટ થયા હતા. પાકિસ્તાનના મુહમ્મદ હસનને ત્રણ વિકેટ મળી હતી.
બીજી ઇનિંગ રમવા ઊતરેલા પાકિસ્તાનની શરૂઆત પણ નબળી રહી હતી અને એણે ૮૮ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કપ્તાન બાબર આઝમે એક બાજુ ટીમની પારી સાંભળી રાખી હતી અને ૧૩ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી ૧૨૫ રનની ઇનિંગ્સ રમ્યો હતો. વહાબ રિયાઝ ૫૨ રન બનાવી જ્યારે ખુશદિલ શાહ ૩૩ રન બનાવી આઉટ થયો હતો. બ્લેસિંગ મુઝરબાનીએ પાંચ વિકેટ ચટકાવી હતી. પાકિસ્તાનના આ પ્લેયર ઉપરાંત અન્ય કોઈપણ પ્લેયર ૨૦ રનનો આંકડો પાર કરી શક્યો ન હતો જેને લીધે મૅચ સુપરઓવરમાં પહોંચી હતી.
સુપરઓવરમાં પણ પોતાની બોલિંગનો જાદુ બતાવતા મુઝરબાનીએ યજમાન ટીમની બે વિકેટ ખેરવી પોતાની ટીમની જીત પાકી કરી દીધી હતી. સુપરઓવરમાં પાકિસ્તાને કરેલા બે રન સામે ઝિમ્બાબ્વે માત્ર ત્રણ બૉલમાં પાંચ રન બનાવીને મૅચ જીતી લીધી હતી

pakistan cricket news zimbabwe