પાકિસ્તાન ક્રિકેટ માટે કાળો દિવસ : સ્પોટ ફિક્સિંગની ચંડાળ ચોકડી જેલ ભેગી

04 November, 2011 02:46 PM IST  | 

પાકિસ્તાન ક્રિકેટ માટે કાળો દિવસ : સ્પોટ ફિક્સિંગની ચંડાળ ચોકડી જેલ ભેગી

 

આમિર તો બાળક છે, તેના માટે છ મહિનાની સજા બહુ મોટી કહેવાય : આમિરનો ભાઈ

આમિરે બુધવારે રાત્રે જ ઘરે ફોન કરીને પોતાને સજા ન થાય એ માટે અલ્લાને બંદગી કરવા કહ્યું હતું. તેના પરિવારજનો આખી રાત સૂતા નહોતા અને બંદગી કરવામાં વ્યસ્ત હતા. જોકે ગઈ કાલે આમિરની સજાની જાહેરાત જાણી કે તરત તેના ભાઈ સલીમે પાકિસ્તાન સરકારની મદદ માગી હતી. સલીમે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મારો ભાઈ તો હજી બાળક કહેવાય. શું સારું ને શું ખરાબ એ હજી તે બરાબર સમજતો પણ નથી. છ મહિનાની સજા તેના માટે બહુ મોટી કહેવાય.’

આમિર-સલીમના પિતા ઝુલ્ફીકારે પત્રકારોને કહ્યું હતું કે ‘મારો પુત્ર આમિર નિદોર્ષ છે. અમારા જ કેટલાક મિત્રોએ અમારી વિરુદ્ધ કાવતરું રચીને અમને મુસીબતમાં મૂકી દીધા છે. અમારી પાસે કોઈ મોટી સંપત્તિ નથી. તપાસકારો અમારું બૅન્ક-બૅલેન્સ પણ ચેક કરી શકે છે. અમારું પોતાનું મકાન પણ ખરીદવાની અમારામાં તાકાત નથી.’

બટ-આસિફ સાથે આમિર જેલમાં નહીં

મોહમ્મદ આમિર ૧૯ વર્ષનો છે અને બ્રિટનના કાયદા પ્રમાણે તેને સલમાન બટ તથા મોહમ્મદ આસિફ સાથે જેલમાં નહીં, પણ નવયુવાન ગુનેગારો માટેના જુવેનાઇલ કરેક્શનલ સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.પ્લેયરો બૅગ લઈને જ આવેલા ત્રણેય પાકિસ્તાની પ્લેયરો પોતાને સજા થશે જ એવી ધારીને ગઈ કાલે સવારે લંડનની કોર્ટમાં પોતપોતાની બૅગ લઈને જ આવ્યા હતા.

બટ અપીલ કરશે : બીજાનું નક્કી નથી

સલમાન બટ પોતાની સજા સામે ઉપલી અદાલતમાં અપીલ કરશે. જોકે આમિર, આસિફ અને માજિદ વિશેનો નિર્ણય ગઈ કાલે જાણવા નહોતો મળ્યો.

કોને કેટલી સજા થઈ?

સલમાન બટ : બે વર્ષ અને છ મહિના
મોહમ્મદ આસિફ : એક વર્ષ
મોહમ્મદ આમિર : છ મહિના
મઝહર માજિદ (પ્લેયરોનો એજન્ટ અને ફિક્સર) : બે વર્ષ અને આઠ મહિના

બટ ઍન્ડ કંપનીની સજા જાહેર થયા પછી કોણે શું કહ્યું?

ક્રિકેટમાં ક્રાઇમ કરો તો આવું પરિણામ ભોગવવું પડે : ઇમરાન ખાન

ભૂતપૂર્વ કૅપ્ટન ઇમરાન ખાને ગઈ કાલે લાહોરથી કહ્યું હતું કે ‘ત્રણ પાકિસ્તાની પ્લેયરોની સજાનો દિવસ પાકિસ્તાન ક્રિકેટ માટે સૌથી શરમજનક દિવસ તેમ જ સૌથી મોટા દુ:ખનો દિવસ છે. ત્રણેય પ્લેયરોના પરિવારો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જોકે આના પરથી યુવાન પેઢીના ક્રિકેટરોને સ્પષ્ટ સંદેશ મળી જશે કે ક્રિકેટમાં ક્રાઇમ કરનારે આવું પરિણામ ભોગવવું પડે અને ક્રિકેટમાં આવા ગુનાને કોઈ સ્થાન નથી.

કોર્ટનો ચુકાદો ક્રિકેટની રમત માટે ન્યાય સમાન : રમીઝ રાજા

ભૂતપૂર્વ કૅપ્ટન રમીઝ રાજાએ પ્રત્યાઘાતમાં કહ્યું હતું કે ‘ક્રિકેટની રમતને એનો ન્યાય મળી ગયો છે. ક્રિકેટમાંથી ફિક્સિંગના દૂષણને કાઢી નાખવા હવે પાછળ જ પડી જાઓ. ત્રણેય પાકિસ્તાની પ્લેયરોને પાઠ ભણાવવાની જરૂર જ હતી. ભાવિ પેઢીના પ્લેયરોને આ સજાના પગલાં પરથી બોધ શીખવા મળશે.’

સ્પૉટ-ફિક્સિંગ શું છે?

મૅચ-ફિક્સિંગમાં ચોક્કસ પ્રકારના મૅચના પરિણામ માટે પ્લેયરોને અમુક રકમ ઑફર કરીને એ મૅચ ફિક્સ કરવામાં આવે છે. જોકે સ્પૉટ-ફિક્સિંગમાં ક્યારે કેટલા નો બૉલ અને કેટલા વાઇડ ફેંકવા એવી નાની બાબતો ફિક્સ કરવામાં આવે છે. જોકે આ માટે મૅચ-ફિક્સિંગની તુલનામાં ઘણી ઓછી રકમ ચૂકવવામાં આવે છે.