કાંગારૂ બૅટ્સમેનો ફરી એક વાર નિષ્ફળ જતાં સિરીઝ જીતવા તરફ પાકિસ્તાનની આગેકૂચ

02 November, 2014 05:50 AM IST  | 

કાંગારૂ બૅટ્સમેનો ફરી એક વાર નિષ્ફળ જતાં સિરીઝ જીતવા તરફ પાકિસ્તાનની આગેકૂચ


ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે મૅચમાં પાકિસ્તાને પોતાની પકડને વધુ મજબૂત બનાવતાં કુલ ૩૭૦ રનની લીડ મેળવી હતી. મૅચનો સમય પૂરો થયો ત્યારે પાકિસ્તાને સેકન્ડ ઇનિંગ્સમાં બે વિકેટે ૬૧ રન બનાવ્યા હતા. અઝહર અલી ૨૧ તો યુનુસ ખાન ૧૬ રને ક્રીઝ પર હતા. ઑસ્ટ્રેલિયાના બૅટ્સમેનો ફરી એક વાર નિષ્ફળ જતાં સિરીઝ લેવલ કરવાની કોઈ તક તેમના માટે દેખાતી નથી.

ઑસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૨૬૧ રનમાં ઑલઆઉટ થઈ હતી જેને પરિણામે એ પાકિસ્તાનના પ્રથમ ઇનિંગ્સના ૫૭૦ રન કરતાં ૩૦૯ રન પાછળ હતી. પાકિસ્તાની કૅપ્ટન મિસ્બાહ-ઉલ-હકે ફૉલો-ઑન આપવાને બદલે ફરીથી બૅટિંગ કરવાનું નક્કી કર્યું. આજે તેઓ મોટો સ્કોર કરીને પાકિસ્તાનને છેલ્લાં ૨૦ વર્ષમાં પ્રથમ વખત ટેસ્ટ-સિરીઝ જીતવાની નજીક પહોંચાડી દેશે.

પાકિસ્તાને દુબઈમાં રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચ ૨૨૧ રને જીતી લીધી હતી. સેકન્ડ ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાના બોલર મિચલ જોન્સને ૨૯ રન આપીને બે વિકેટ લીધી હતી. જોકે અલી અને યુનુસ ખાને તેનો મક્કમતાપૂર્વક સામનો કર્યો હતો. ઑસ્ટ્રેલિયા તરફથી મિચલ માર્શે ૮૭ તો કૅપ્ટન માઇકલ ક્લાર્કે ૪૭ રન કર્યા હતા. પાકિસ્તાની બોલર ઇમરાન ખાને ૬૦ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.