03 June, 2025 10:45 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
ઘરઆંગણે સાડાત્રણ વર્ષ બાદ T20 સિરીઝની ટ્રોફી ઉપાડી પાકિસ્તાને.
ત્રણ મૅચની T20 સિરીઝ માટે પાકિસ્તાન-ટૂર પર ગયેલી બંગલાદેશ ક્રિકેટ ટીમને નવા કૅપ્ટન લિટન દાસના નેતૃત્વ હેઠળ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને સિરીઝની ત્રણ મૅચ જીતીને ૩-૦થી સિરીઝ ક્લીન સ્વીપ કરી હતી. પાકિસ્તાને છેલ્લે ડિસેમ્બર ૨૦૨૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે સિરીઝ ક્લીન સ્વીપ કરી હતી. પોતાની ધરતી પર પાકિસ્તાને સાડાત્રણ વર્ષ બાદ T20 સિરીઝ જીતી હતી. આ દરમ્યાન પાકિસ્તાન પોતાની ધરતી પર ત્રણ સિરીઝ રમ્યું હતું જેમાંથી એક સિરીઝમાં હાર મળી અને બે સિરીઝ ડ્રૉ રહી હતી.
રવિવારે ત્રીજી મૅચમાં બંગલાદેશે ૬ વિકેટ ગુમાવીને આપેલા ૧૯૭ રનના ટાર્ગેટને પાકિસ્તાને ૧૬ બૉલ પહેલાં ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ત્રીજી T20માં ૪૫ બૉલમાં સેન્ચુરી ફટકારનાર મોહમ્મદ હારિસ (૪૬ બૉલમાં ૧૦૭ રન અણનમ) આખી સિરીઝમાં ૧૭૯ રન ફટકારીને પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો.