13 November, 2026 09:57 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન માટે પહેલી જ મૅચ રમનાર ફાસ્ટ બોલર સાકિબ ખાને ૭ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ-મૅચનો આજે નિર્ણાયક દિવસ છે. ગઈ કાલે ચોથા દિવસે વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે ૩૬.૪ ઓવરની જ રમત રમી શકાઈ હતી. પહેલી ઇનિંગ્સમાં પાકિસ્તાનના ૪૩૪-૯ના સ્કોર સામે શ્રીલંકા ૧૧૭.૨ ઓવર રમીને ૪૪૬ રન પર ઑલઆઉટ થયું હતું. દિવસના અંત સુધીમાં પાકિસ્તાને બીજી ઇનિંગ્સમાં ૨૧.૨ ઓવરમાં ૫૭-૧નો સ્કોર કરીને ૪૫ રનની લીડ મેળવી હતી.
શ્રીલંકાએ ગઈ કાલે ૪૦૪-૪ના સ્કોરથી પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. દિવસની શરૂઆતથી જ શ્રીલંકાની બૅટિંગ લાઇનઅપે સંતુલન ગુમાવ્યું હતું. પાકિસ્તાને ૪૨ રનની અંદર બાકીની ૬ વિકેટ ઝડપી લીધી હતી. પાંચમી વિકેટની ભાગીદારી ૨૪૯ રનથી આગળ વધી નહોતી. ધનંજય ડી સિલ્વાની ઇનિંગ્સ ૧૬૭ રને અને કૅપ્ટન્સી-ડેબ્યુ પર સદી ફટકારનાર કુસલ મેન્ડિસની ઇનિંગ્સ ૧૧૯ રને સમાપ્ત થઈ હતી.
પાકિસ્તાન તરફથી પહેલી જ વખત રમનાર ફાસ્ટ બોલર સાકિબ ખાને ૩૪ ઓવરમાં ૧૩૦ રન આપીને ૭ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર્સ મોહમ્મદ અબ્બાસને બે વિકેટ અને રઝાઉલ્લાહને એક વિકેટ મળી હતી.