26 October, 2024 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સઉદ શકીલ
પાકિસ્તાન સામેની સિરીઝની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમૅચમાં ઇંગ્લૅન્ડની હાલત ખરાબ થઈ ગઈ છે. આ ટેસ્ટમૅચનો ગઈ કાલે હજી બીજો જ દિવસ હતો, પણ આ તબક્કે ઑલરેડી ઇંગ્લૅન્ડને પરાજયનાં દર્શન થઈ રહ્યાં હશે.
ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં કરેલા ૨૬૭ રનના જવાબમાં પાકિસ્તાન ગઈ કાલે ૩૪૪ રન બનાવીને ઑલઆઉટ થયું હતું. પાકિસ્તાનના સઉદ શકીલે ૧૩૪ રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને લીડ લેવામાં મદદ કરી હતી. તેના ઉપરાંત બોલિંગમાં તરખાટ મચાવનાર નોમાન અલી (૪૫) અને સાજિદ ખાન (૪૮) પણ બૅટથી ઝળક્યા હતા. બાકીના કોઈ બૅટરે ૩૦ રનનો આંકડો પાર નહોતો કર્યો.
પાકિસ્તાનને પહેલી ઇનિંગ્સમાં લીડ ભલે ૭૭ રનની મળી, પણ ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગ્સમાં ફરી યજમાન ટીમના સ્પિનરો ત્રાટક્યા હતા અને બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે માત્ર ૨૪ રનમાં અંગ્રેજોએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બે વિકેટ નોમાન અલીએ લીધી હતી અને એક વિકેટ સાજિદ ખાને લીધી હતી. ઇંગ્લૅન્ડ હજી ૫૩ રનથી પાછળ છે. ત્રણ મૅચની સિરીઝમાં બન્ને ટીમો એક-એક ટેસ્ટ જીતી ચૂકી છે.