09 September, 2025 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાને ૭૫ રને અફઘાનિસ્તાનને હરાવ્યું
યજમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને અફઘાનિસ્તાનને જબરદસ્ત ટક્કર આપીને પાકિસ્તાને ત્રિકોણીય T20 સિરીઝમાં જીત મેળવી લીધી છે. સિરીઝની ફાઇનલ મૅચમાં પાકિસ્તાને ૭૫ રને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું જે કોઈ પણ T20 ઇન્ટરનૅશનલ સિરીઝની ફાઇનલ મૅચની તેમની સૌથી મોટી જીત પણ હતી.
પાકિસ્તાને ફાઇનલ મૅચમાં માંડ-માંડ ૮ વિકેટે ૧૪૧ રન કર્યા હતા. અફઘાની કૅપ્ટન અને સ્પિનર રાશિદ ખાન (૩૮ રનમાં ૩ વિકેટ)એ ટીમ માટે સૌથી વધુ સફળતા મેળવી હતી, પરંતુ બીજી ઇનિંગ્સની પાંચમી ઓવરમાં હૅટ-ટ્રિક વિકેટ લેનાર સ્પિનર મોહમ્મદ નવાઝ (૧૯ રનમાં પાંચ વિકેટ)ના તરખાટને કારણે અફઘાનિસ્તાન ૧૫.૫ ઓવરમાં ૬૬ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું જે T20 ઇન્ટરનૅશનલ સિરીઝની ફાઇનલ મૅચનો લોએસ્ટ સ્કોર હતો.
એશિયા કપ પહેલાં પાકિસ્તાન સાથે શ્રીલંકાનો આત્મવિશ્વાસ થયો મજબૂત
ત્રિકોણીય T20 સિરીઝ દરમ્યાન પાકિસ્તાનને માત્ર એક હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકાને પણ ઝિમ્બાબ્વે સામેની ત્રણ T20 મૅચની સિરીઝમાં ૨-૧થી જીત મળી છે. મોટી ટુર્નામેન્ટની તૈયારીના ભાગ રૂપે રમાયેલી આ સિરીઝમાં જીતવાથી પાકિસ્તાન અને શ્રીલંકાના પ્લેયર્સનો આત્મવિશ્વાસ વધ્યો છે. T20 એશિયા કપ 2025માં આ બન્ને ટીમ ભારત માટે મુશ્કેલી ઊભી કરવાની ક્ષમતા રાખે છે.