ફાસ્ટ વિકેટ પર ટીમ ઇન્ડિયાના બૅટ્સમેનોની અગ્નિપરીક્ષા

17 October, 2014 06:38 AM IST  | 

ફાસ્ટ વિકેટ પર ટીમ ઇન્ડિયાના બૅટ્સમેનોની અગ્નિપરીક્ષા


બીજી વન-ડેમાં મળેલી જીતને કારણે આત્મવિશ્વાસથી છલકાતી ટીમ ઇન્ડિયા આજે બાઉન્સી પિચ પર વેસ્ટ ઇન્ડીઝ સામે ચોથી વન-ડેમાં વિજયના લયને જાળવવા માગશે. દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમેનો સારું પ્રદર્શન નહોતા કરી શક્યા. રવીન્દ્ર જાડેજા તથા અમિત મિશ્રા જેવા સ્પિનરોની જોડીએ તેમની હાલત બગાડી મૂકી હતી. જોકે આ સ્ટેડિયમની પિચ સ્પિનરોને ખાસ મદદરૂપ નહીં થાય. આ પિચ ફાસ્ટ બોલરો માટે સારી છે. આ પિચ પર અગાઉ ઇંગ્લૅન્ડ સામે રમાયેલી છેલ્લી મૅચમાં ભારતીય બૅટ્સમેનોને ઘણી મુશ્કેલી પડી હતી. ભારત આ મૅચ હારી ગયું હતું.

અત્યારે સિરીઝ ૧-૧થી બરોબરી

પર છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ અસોસિએશનનું સુંદર સ્ટેડિયમ બન્ને ટીમોને સિરીઝમાં લીડ મેળવવાની તક આપશે. પિચ ક્યુરેટર સુનીલ ચૌહાણના મતે પિચ ફાસ્ટ બોલરોને સહાય કરશે. કૅપ્ટન ચાર ફાસ્ટરો સાથે મૅચ રમે તો સારું. એથી એવું બની શકે કે અમિત મિશ્રાને બદલ ઇશાન્ત શર્માને તક મળે. ઇશાન્ત શર્મા માટે ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો આ એક સારો અવસર છે.

કોટલાના મેદાન પર વિરાટ કોહલીએ પોતાનું ફૉર્મ પાછું મેળવતાં ભારત માટે થોડીક રાહત છે. કૅપ્ટન ધોનીએ તેને અંબાતી રાયડુ બાદ ચોથા ક્રમાંક પર મોકલવાનો કરેલો નિર્ણય સફળ સાબિત થયો હતો. આજે બપોરે અઢી વાગ્યાથી આ મૅચ શરૂ થશે.