ઑલિમ્પિયન બની ગયા પોસ્ટમૅન

21 November, 2012 06:31 AM IST  | 

ઑલિમ્પિયન બની ગયા પોસ્ટમૅન



લંડન: ઇંગ્લૅન્ડ વતી ૧૯૮૪થી ૨૦૦૦ની સાલ સુધીમાં સતત પાંચ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલા પંચાવન વર્ષની ઉંમરના ઍથ્લીટ હવે ટપાલી બની ગયા છે. તેઓ પરિવારનું ગુજરાન ચલાવવા આ નોકરી કરે છે. જોકે તેમને આ કામ કરવામાં ખૂબ આનંદ પણ આવે છે.

પશ્ચિમના દેશોના ફાસ્ટેસ્ટ પૉસ્ટમૅન તરીકે ઓળખાતા ક્રિસ મૅડૉક્સ નામના આ ઍથ્લીટે સૌથી પહેલાં ૧૯૮૪ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સની ચાલવાની હરીફાઈમાં ભાગ લીધો હતો. ત્યાર પછી ૧૯૮૮, ૧૯૯૨, ૧૯૯૬ અને ૨૦૦૦ ઑલિમ્પિક્સમાં પણ તેમણે ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

મૅડૉક્સ પાંચ ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર એકમાત્ર બ્રિટિશ ઍથ્લીટ છે. તેઓ થોડા મહિનાઓથી ટિવર્ટન શહેરમાં રૉયલ મેઇલ નામની એજન્સીમાં નોકરી કરે છે. ૧૦ કિલોમીટર, ૫૦ કિલોમીટર અને ન્યુ યૉર્ક મૅરથૉનમાં બ્રિટિશ રેકૉર્ડ ધરાવતા આ ઑલિમ્પિયન હજી પણ ઇંગ્લૅન્ડના ફાસ્ટેસ્ટ વૉકર તરીકે જાણીતા છે. રૉયલે મેઇલ એજન્સીના તેમના સાથીકાર્યકરોને તેમની સિદ્ધિઓની વાતો હજી પણ માનવામાં નથી આવતી. વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સસ્પર્ધામાં પાંચ વખત ભાગ લઈ ચૂકેલી વ્યક્તિ ટિવર્ટન શહેરની સોસાયટીઓમાં ટપાલ વહેંચતી ફરે એ તેમના સાથીઓ તો શું દેશના અનેક લોકો માટે આર્યની વાત છે.

મૅડૉક્સે ૨૦૦૨ની સાલમાં ચાલવાની હરીફાઈમાં ભાગ લેવાનું બંધ કર્યું હતું. ત્યાર પછી તેઓ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બન્યા હતા અને એક ચૅનલ માટે પણ કામ કર્યું હતું.

સામાન્ય વ્યક્તિ કલાકના પાંચ કિલોમીટરની ઝડપે ચાલતી હોય છે. જોકે મૅડૉક્સે ઑલિમ્પિક્સમાં ૧૦ કિલોમીટરની હરીફાઈ જેટલા સમયમાં પૂરી કરી હતી એના પરથી તેમની ઝડપ કલાકે ૧૫ કિલોમીટર જેટલી છે. તેમણે ઑલિમ્પિક્સમાં ૧૦ કિલોમીટરની સ્પર્ધા ૪૦ મિનિટ ૧૭ સેકન્ડમાં પૂરી કરી હતી.