અક્ષરે બાજી અપાવી : હવે બૅટર્સની કસોટી

28 November, 2021 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાધારણ ટાર્ગેટ ન્યુ ઝીલૅન્ડ સામે ભારતને જિતાડી શકે ઃ કિવીઓએ ગઈ કાલે છેલ્લી ૯ વિકેટ માત્ર ૯૯ રનમાં ગુમાવી

અક્ષરે બાજી અપાવી : હવે બૅટર્સની કસોટી

કાનપુરમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય સ્પિનરોએ રાજ કર્યું હતું. લેફ્ટ-આર્મ સ્પિનર અક્ષર પટેલ (૩૪-૬-૬૨-૫), રાઇટ-આર્મ ઑફ-બ્રેક બોલર રવિચન્દ્રન અશ્વિન (૪૨.૩-૧૦-૮૨-૩) અને લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજા (૩૩-૧૦-૫૭-૧)એ મળીને ૧૦માંથી ૯ વિકેટ લીધી હતી. એક વિકેટ પેસ બોલર ઉમેશ યાદવને મળી હતી.
ભારતના લીડ સાથે ૬૩ રન
ગઈ કાલની રમતના અંત સુધીમાં ભારતે સેકન્ડ ઇનિંગ્સમાં એક વિકેટે ૧૪ રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં મળેલી ૪૯ રનની સરસાઈ સાથે ભારતના કુલ ૬૩ રન હતા. કિવીઓ પ્રથમ દાવમાં ૨૯૬ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. તેમણે છેલ્લી ૯ વિકેટ માત્ર ૯૯ રનમાં ગુમાવી દીધી હતી. આણંદના અક્ષરે બે સત્રમાં કિવીઓની છાવણીમાં હાહાકાર મચાવી દીધો હતો. ખાસ કરીને લંચ પહેલાં બીજો નવો બૉલ મળતાં તેણે સ્પિનના જાદુથી એક પછી એક કિવીને પૅવિલિયનભેગા કરી દીધા હતા.
યંગ અને લૅથમ સદી ચૂક્યા
ન્યુ ઝીલૅન્ડનો ઓપનર વિલ યંગ (૮૯ રન, ૨૧૪ બૉલ, ૧૫ ફોર) માત્ર ૧૧ રન માટે પ્રથમ ટેસ્ટ-સદી ચૂકી ગયો હતો. તે અશ્વિનના બૉલમાં સબસ્ટિટ્યૂટ કે. એસ. ભરતને કૅચ આપી બેઠો હતો.
તેની સાથે ૧૫૧ રનની ભાગીદારી કરનાર ટૉમ લૅથમ બીજી વધુ ભાગીદારીઓ કર્યા બાદ ફક્ત પાંચ રન માટે ૧૨મી સેન્ચુરી ચૂક્યો હતો.

41
અશ્વિન કુલ આટલી વિકેટ સાથે ૨૦૨૧ના વર્ષનો હાઇએસ્ટ વિકેટ-ટેકિંગ બોલર બન્યો છે. તેણે ૩૯ વિકેટ લેનાર પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીને ઓળંગી લીધો છે.

પહેલી ચાર ટેસ્ટમાં પાંચમી વાર પાંચ વિકેટ : અક્ષર પ્રથમ ભારતીય

અક્ષર પટેલે ગઈ કાલે તરખાટ મચાવ્યો હતો. તેની આ ચોથી જ ટેસ્ટ છે. તેણે ચાર ટેસ્ટમાં પાંચમી વખત દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી છે. તે આ કીર્તિમાન સ્થાપનાર પ્રથમ ભારતીય છે. 
તે ઇંગ્લૅન્ડના ટૉમ રિચર્ડસન અને ઑસ્ટ્રેલિયાના રોડની હૉગની બરાબરીમાં આવી ગયો છે. એ બન્નેએ પોતાની પ્રથમ ચાર ટેસ્ટમાં પાંચ વાર પાંચ વિકેટ લીધી હતી. જોકે ઑસ્ટ્રેલિયાના ચાર્લી ટર્નર ૬ વાર પાંચ વિકેટની સિદ્ધિ મેળવી આ લિસ્ટમાં મોખરે છે.
અક્ષરે પાંચ વિકેટની પહેલી ચાર સિદ્ધિ ઇંગ્લૅન્ડ સામે મેળવી હતી. અક્ષરની આ ચોથી ટેસ્ટ છે. સ્પિનર નરેન્દ્ર હિરવાણીઅે કરિયરની પહેલી ચાર ટેસ્ટમાં ૩૬ વિકેટ લીધી હતી. અક્ષરની કુલ ૩૨ વિકેટ થઈ છે અને ચાર ટેસ્ટ પૂરી કરવામાં તેની હજી એક ઇનિંગ્સ બાકી છે.

વાનખેડેની ટેસ્ટમાં પચીસ ટકા પ્રેક્ષકોની છૂટ

આગામી ૩ ડિસેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થનારી ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી અને આખરી ટેસ્ટમાં પ્રેક્ષકોના પ્રવેશની છૂટ મહારાષ્ટ્ર સરકારે આપી છે, પણ આ મંજૂરી માત્ર પચીસ ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવા માટેની જ છે. વાનખેડેમાં કુલ ૩૦,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. મુંબઈ ક્રિકેટ અસોસિયેશનના એક અધિકારીએ પી.ટી.આઇ.ને જણાવ્યું હતું કે ૫૦ ટકા પ્રેક્ષકો માટેની છૂટ સરકાર પાસેથી મેળવવા તેઓ પ્રયત્ન કરશે.

આગામી ૩ ડિસેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થનારી ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી અને આખરી ટેસ્ટમાં પ્રેક્ષકોના પ્રવેશની છૂટ મહારાષ્ટ્ર સરકારે આપી છે, પણ આ મંજૂરી માત્ર પચીસ ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવા માટેની જ છે. વાનખેડેમાં કુલ ૩૦,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. મુંબઈ ક્રિકેટ અસોસિયેશનના એક અધિકારીએ પી.ટી.આઇ.ને જણાવ્યું હતું કે ૫૦ ટકા પ્રેક્ષકો માટેની છૂટ સરકાર પાસેથી મેળવવા તેઓ પ્રયત્ન કરશે.- અક્ષર પટેલ

sports news cricket news