22 April, 2026 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ ચૅમ્પિયન નોવાક જૉકોવિચે ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું
૨૪ વખતના ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ ચૅમ્પિયન નોવાક જૉકોવિચે ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘વિરાટ મારો મિત્ર છે અને હું ચોક્કસ તેની પ્રશંસા અને આદર કરું છું. સાચું કહું તો તેના દ્વારા જ મેં ક્રિકેટને અનુસરવાનું શરૂ કર્યું છે. આ રમતને હું પહેલાં ફૉલો નહોતો કરતો. વિરાટને લીધે મેં ક્રિકેટને વધુ ફૉલો કરવાનું શરૂ કર્યું. ‘ ૩૮ વર્ષના નોવાક જૉકોવિચે વધુમાં કહ્યું કે ‘અમે સંપર્કમાં રહીએ છીએ. જ્યારે હું ભારત જઈશ ત્યારે આશા રાખીશ કે તેને મળી શકું. અમે થોડું ક્રિકેટ થોડું ટેનિસ રમીને મજા કરીશું. લોકોમાં સકારાત્મકતા ફેલાવીશું અને રમતગમતની ભાવનાની ઉજવણી કરીશું.’ ભારતીય ટેનિસચાહકો વિશે સર્બિયાનો નોવાક જૉકોવિચ કહે છે, ‘મારો સંદેશ હંમેશાં પ્રેમ, આદર અને પ્રશંસાનો રહ્યો છે. સૌપ્રથમ વિશ્વભરના ભારતીય ટેનિસચાહકો તરફથી મને વ્યક્તિગત રીતે મળેલા તમામ વર્ષોના સમર્થન માટે આભાર. હું તમને ભારતમાં ખૂબ જ જલદી મળીશ. કારણ કે હું ખરેખર ભારતની મુલાકાત લેવા માગું છું. છેલ્લાં કેટલાક વર્ષોથી મને ભારત આવવાનું આમંત્રણ મળતું રહ્યું છે.’