જીતો તો કાર કે ફ્રિજ ને હારો તો કાળી મજૂરી

05 August, 2012 04:39 AM IST  | 

જીતો તો કાર કે ફ્રિજ ને હારો તો કાળી મજૂરી

સામ્યવાદી દેશ અને વષોર્થી સરમુખ્તારોના શાસનમાં ચાલતા નૉર્થ કોરિયાના ઍથ્લીટો આ વખતે ઑલિમ્પિક્સમાં ચાર ગોલ્ડ મેડલ સહિત કુલ પાંચ ચંદ્રકો જીત્યા એનો યશ દેશના સવોર્ચ્ચ નેતા કિમ જૉન્ગ ઉનને આપી રહ્યા છે, પરંતુ દેશના શાસકો સામે બળવો કરી ચૂકેલા દેશના ભૂતપૂર્વ ઍથ્લીટો સહિતના કેટલાક લોકોનું એવું માનવું છે કે ઍથ્લીટોને નાનપણથી ખાસ પ્રકારની સ્કૂલોમાં જે તાલીમ આપવામાં આવતી હોય છે એનું સારું પરિણામ આ વખતે જોવા મળી રહ્યું છે.

એક ભૂતપૂર્વ ઍથ્લીટે ગઈ કાલે પ્યૉન્ગયાન્ગથી આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઍથ્લીટોને યુવાન વયે સ્કૂલોમાં તેમની રમતોની ટ્રેઇનિંગ દરમ્યાન આંતરરાષ્ટ્રીય હરીફાઈ જીતવા બદલ ઇનામના રૂપમાં કાર અને રેફ્રિજરેટર આપવામાં આવે છે. જોકે તેમને એવી ધમકી પણ આપવામાં આવે છે કે જો તેઓ ટુર્નામેન્ટમાં હારીને પાછા આવશે તો ઘણા દિવસો સુધી તેમની પાસે કાળી મજૂરી કરાવવામાં આવશે. ઇનામોની લાલચ અને કાળી મજૂરીની ધમકીને લીધે ઍથ્લીટો ટ્રેઇનિંગ દરમ્યાન તનતોડ મહેનત કરતા હોય છે.’

નૉર્થ કોરિયા વેઇટલિફ્ટિંગના ત્રણ અને જુડોના એક સહિત કુલ ચાર ગોલ્ડ મેડલ જીત્યું છે.  આ દેશના ૫૬ ઍથ્લીટો કુલ ૧૧ રમતોની હરીફાઈઓમાં ભાગ લઈ રહ્યા છે. હારીને પાછા આવનારા ઍથ્લીટોને કાળી મજૂરી કરવા કદાચ સીધા કૅમ્પમાં મોકલી દેવામાં આવશે એવી અફવા નૉર્થ કોરિયામાં ફેલાઈ છે.

ફૂટબૉલ ટીમને સજા થયેલી

જૂન ૨૦૧૦ના ફૂટબૉલ વર્લ્ડ કપમાં નૉર્થ કોરિયાની ટીમ ત્રણેય લીગ મૅચ હારી ગઈ હતી. એમાં આ ટીમ સામે કુલ ૧૨ ગોલ થયા હતા. આ ખરાબ પર્ફોન્સ પછી પ્લેયરો દેશમાં પાછા આવ્યા ત્યારે તેમના માટે છ કલાકનું સેશન રાખવામાં આવ્યું હતું જેમાં સ્પોર્ટ્સ કૉમેન્ટેટરો, ભૂતપૂર્વ ઍથ્લીટો, વિદ્યાર્થીઓ અને રાજકારણીઓની આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.