ભારત-વેસ્ટ ઇન્ડીઝ સિરીઝને કોઈ જ સંકટ નથી : ક્રિકેટ બોર્ડ

10 October, 2014 06:17 AM IST  | 

ભારત-વેસ્ટ ઇન્ડીઝ સિરીઝને કોઈ જ સંકટ નથી : ક્રિકેટ બોર્ડ



ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે પ્રવાસી ટીમ તથા વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ બોર્ડ વચ્ચે પગારને લઈને ચાલતા વિવાદ છતાં આ સિરીઝમાં કોઈ મુશ્કેલી નહીં પડે. ક્રિકેટ બોર્ડના સેક્રેટરી સંજય પટેલે કહ્યું હતું કે ‘તમામ મૅચો એના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ યોજાશે. મેં વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડના કેટલાક અધિકારીઓ સાથે વાતચીત કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ જાતનું સંકટ પેદા નહીં થવા દેવાય. મને ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ડેવ કૅમેરનની ઈ-મેઇલ મળી છે જેમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડનો આભાર માન્યો હતો. સિરીઝ પૂર્ણ થયા બાદ ક્રિકેટ બોર્ડ મધ્યસ્થીની ભૂમિકા ભજવીને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને મદદરૂપ થશે. અમારું કામ સિરીઝનું સારી રીતે સંચાલન થાય એ જોવાનું છે. ત્રણ ટેસ્ટ, પાંચ વન-ડે તથા એક T20૦ ઇન્ટરનૅશનલ મૅચની આ સિરીઝ ૨૦૦૭-’૦૮ના ફ્યુચર ટૂર પ્રોગ્રામનો એક ભાગ છે, જેનું ઉલ્લંઘન કરી ન શકાય. દરેક દેશે એનું પાલન કરવાનું હોય છે.’

સંજય પટેલે વધુમાં કહ્યું હતું કે ‘એવી કોઈ સમસ્યા નથી જેને વાતચીત દ્વારા ન ઉકેલી શકાય. વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ સારા છે. તેઓ તેમની ફરજને સમજે છે. વળી ભારતીય ક્રિકેટ બોર્ડે કોઈ ચુકવણી નથી કરી. આ તેમનો આંતરિક વિવાદ છે. એક ક્રિકેટ બોર્ડ હોવાને કારણે અમે તેમને સલાહ આપી શકીએ કે સમસ્યાના ઉકેલ માટે કયા રસ્તે જવું જોઈએ.’

ભારતીય ક્રિકેટ બોર્ડે‍ વેસ્ટ ઇન્ડીઝના બોર્ડને ગૅરન્ટી-મની આપ્યાં છે. દરેક દેશ માટે ICCના નિયમ મુજબ એમ કરવું ફરજિયાત હોય છે. દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડના એક અધિકારી દિલ્હી આવી રહ્યા છે. શનિવારે ફિરોજશા કોટલા મેદાનમાં થનારી બીજી વન-ડે મૅચ પહેલાં તેઓ ક્રિકેટરો સાથે વાતચીત કરશે.

પગારના વિવાદ છતાંય મૅચ રમનારા ખેલાડીઓનો આભાર માનતું કૅરિબિયન બોર્ડ

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે ડ્વેઇન બ્રાવોના નેતૃત્વવાળી ટીમના ખેલાડીઓએ કોચીમાં રમાયેલી પહેલી વન-ડેમાં બતાવેલા શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં છે. બોર્ડ અને ખેલાડી વચ્ચે પગારના મામલે વિવાદ હોવા છતાં ટીમના પ્રદર્શનમાં કોઈ પણ અસર દેખાડી નહોતી અને ટીમ ઇન્ડિયાને ૧૨૪ રને હાર આપી હતી. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તમામને ખબર હતી કે પગારના વિવાદને કારણે ખેલાડીઓ મૅચમાંથી હટી જાય એવી શક્યતા હતી, પરંતુ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ, ભારતીય ક્રિકેટ બોર્ડ તેમ જ તમામ રમતપ્રેમીઓ એ વાતથી ખુશ હતા કે મૅચ રમાઈ. મૅચના રિઝલ્ટને કારણે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ-ફૅન તથા બોર્ડ પણ ખુશ છે.