ઇંગ્લૅન્ડના સ્વાગત માટે સ્પિનર વિનાની ઇન્ડિયા ‘એ’ ટીમ

25 October, 2012 05:37 AM IST  | 

ઇંગ્લૅન્ડના સ્વાગત માટે સ્પિનર વિનાની ઇન્ડિયા ‘એ’ ટીમ



સંદીપ પાટીલના અધ્યક્ષસ્થાનમાં થોડા દિવસ પહેલાં બનેલી નવી સિલેક્શન કમિટીએ ગઈ કાલે પહેલી વાર સત્તાવાર બેઠક યોજી હતી અને એમાં ભારતના પ્રવાસે આવી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ સામેની પ્રથમ પ્રૅક્ટિસ-મૅચ માટે ૧૪ પ્લેયરો નક્કી કરવામાં આવ્યા હતા. સુરેશ રૈનાના સુકાનવાળી આ ઇન્ડિયા ‘એ’ ટીમની ખાસિયત એ છે કે એમાં ચાર પેસબોલરો છે, પરંતુ એક પણ રેગ્યુલર સ્પિનરનો સમાવેશ નથી.

સ્પિન બોલિંગ ભારતનું સૌથી મૂલ્યવાન શસ્ત્ર છે અને આ મહિને ઍલસ્ટર કુકના સુકાનમાં ભારતના પ્રવાસે આવી રહેલી ઇંગ્લૅન્ડની ટીમને સ્પિનશક્તિથી બનેએટલી અજાણ રાખવાનો ભારતીય ટીમ મૅનેજમેન્ટનો કદાચ અભિગમ હશે એટલે સિલેક્ટરોએ એક પણ રેગ્યુલર સ્પિનરને ટીમમાં નથી સમાવ્યો.

ત્રણ દિવસની આ પ્રૅકિટસ-મૅચ મંગળવારથી બ્રેબૉર્નમાં રમાશે. ત્યાર બાદ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં અને અમદાવાદમાં પણ વૉર્મ-મૅચ રમાયા પછી ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ચાર મૅચની ટેસ્ટસિરીઝ શરૂ થશે.

યુવરાજ સિંહે થોડા દિવસ પહેલાં દુલીપ ટ્રોફીની સેમી ફાઇનલમાં નૉર્થ ઝોન વતી ડબલ સેન્ચુરી (૨૦૮ રન, ૨૪૧ બૉલ, ૩ સિક્સર, ૩૩ ફોર) કરી હતી. તેને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટસિરીઝ માટે વધુ મૅચ-પ્રૅક્ટિસ અપાવવાના હેતુથી સિલેક્ટરોએ તેને રૈના ઍન્ડ કંપનીમાં સ્થાન આપ્યું છે. જોકે અજિંક્ય રહાણે અને મનોજ તિવારી સહિત કુલ ૯ બૅટ્સમેનો ટીમમાં સામેલ છે, પરંતુ છેલ્લી ઘણી ઇનિંગ્સોમાં સતત ફ્લૉપ રહેવાને કારણે રોહિત શર્માનું એમાં નામ નથી. ચાર પેસબોલરોમાં પરવિન્દર અવાનાનો પણ સમાવેશ છે.

ધવન લગ્નને લીધે ટીમમાંથી નીકળી ગયો

શિખર ધવનને સિલેક્ટરોએ ૩૦ ઑક્ટોબરે શરૂ થતી પ્રૅક્ટિસ-મૅચ માટેની ઇન્ડિયા ‘એ’ની ટીમમાં સમાવ્યો હતો, પરંતુ મૅચના દિવસોમાં તેના લગ્ન હોવાથી તેણે ટીમમાંથી પોતાનું નામ કઢાવી નાખ્યું હતું. તેની ફિયાન્સેનું નામ એશા મુખરજી છે અને તે ઍમેટર બૉક્સર છે તેમ જ કરાટે પણ જાણે છે.

ઇન્ડિયા ‘એ’ ટીમ

સુરેશ રૈના (કૅપ્ટન), મુરલી વિજય, અંબાતી રાયુડુ, અભિનવ મુકુંદ, અજિંક્ય રહાણે, મનોજ તિવારી, રૉબિન બિશ્ત, અશોક મેનારિયા, યુવરાજ સિંહ, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), ઇરફાન પઠાણ, અશોક ડિન્ડા, વિનય કુમાર અને પરવિન્દર અવાના.