જૉન્સને બોલ માર્યો અને વિરાટે એનો વળતો જવાબ

29 December, 2014 03:42 AM IST  | 

જૉન્સને બોલ માર્યો અને વિરાટે એનો વળતો જવાબ







મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા-ઇન્ડિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ-મૅચમાં ગઈ કાલે ભારતના સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયાના બોલર મિચલ જૉન્સન વચ્ચે ચકમક ઝરી હતી. બન્યું હતું એવું કે મેદાન પર વિરાટ અને અજિંક્ય રહાણે બૅટિંગ કરતા હતા ત્યારે એક રન દોડતી વખતે વિરાટને રનઆઉટ કરવા માટે મિચલ જૉન્સને ફેંકેલો બૉલ વિકેટ પર લાગવાને બદલે વિરાટને વાગતા એ પડી ગયો હતો. ત્યાર બાદ જૉન્સને હાથ ઊંચો કરીને સૉરી કહેતો હોય એ રીતે ઍક્ટિંગ કરી હતી, પરંતુ એ દાઢમાં બોલ્યો હોવાનું વિરાટે કહ્યું હતું. વિરાટ આ ઇનિંગ્સમાં પોતાના ટેસ્ટ-કરીઅર બેસ્ટ ૧૬૯ રન ફટકાર્યા બાદ આઉટ થયો હતો.

મૅચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેણે મેદાન પર બનેલી ઘટના વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે  ‘તેઓ મને સ્પૉઇલ્ટ બ્રૅટ (મેનર-લેસ, બેશિસ્ત) કહેતા રહ્યા હતા અને હું એવો જ હોવાનો જવાબ મારી બેટિંગ વડે આપ્યો હતો. તેઓ મને ચીડવતા હતા એની મજા મેં લીધી હતી. અને મને તો તેમના બોલરોને વધુ તાકાતથી ફટકારવાની ચાનક ચડી હતી.  મેદાન પર ઑસ્ટ્રેલિયનો સામે શાંત રહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ મને દલીલો કરવા કરતાં બૅટથી તેમની કમેન્ટ્સનો જવાબ આપવાનું ગમે છે. તેમની કમેન્ટ્સ હું મન પર લીધા વગર જ મારામાંથી બૅટિંગમાં બેસ્ટ કાઢવાનો પ્રયાસ કરીને તેમને પાઠ ભણાવવાના પ્રયાસ કરું છું.’

બીજી તરફ મિચલ જૉન્સન વિશે બોલતાં તેણે કહ્યું હતું કે ‘મિચલ જૉન્સન બ્રિસ્બેન ટેસ્ટમાં ટેન્શન વગર બૅટિંગ કરતો હતો એનું કારણ એ છે કે તે બોલર છે, બૅટિંગ તેનું કામ નથી. મેલબર્નમાં ઓવરદીઠ ૪.૭ની ઍવરેજે અમે તેની બોલિંગની ધુલાઈ કરી હતી અને દિવસભર વિકેટ ન મળી એથી તે અકળાયો હતો. ઑસ્ટ્રેલિયાના કેટલાક પ્લેયર્સ સાથે મારે મિત્રતા છે. કેટલાકને હું માન આપું છું. કોઈક એવા છે જે મને માન નથી આપતા તો તેમને માન આપવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો?’

શું કહે છે એક્સપર્ટ્સ?

આ ઘટના વિશે ભૂતપર્વ કૅપ્ટન દિલીપ વેંગસરકરે કહ્યું હતું કે ‘વિરાટ આજે વલ્ર્ડનો સૌથી બેસ્ટ બૅટ્સમૅન છે અને તેણે ઑસ્ટ્રેલિયા સામે સ્કોર કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. હવે શબ્દોમાં હિટ બૅક કરવાની જરૂર નથી, કારણ કે એમ કરવાથી વ્યક્તિનું ફોકસ હટી જવાની શક્યતા હોય છે.’

બીજી તરફ ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ કહ્યું હતું કે ‘વિરાટ કોહલીનો વિરોધીઓને જવાબ આપવાનો અભિગમ યોગ્ય છે. એ બાબત દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. જો એ અભિગમ તેને મોટિવેટેડ રાખવામાં મદદરૂપ થતો હોય તો તે એવું  કરે એ બરાબર છે. જાવેદ મિયાંદાદ આવા અભિગમનું ઉદાહરણ છે. સામે દલીલો કરવાથી એ ઉશ્કેરાતો હતો અને તેનાથી જોશમાં આવીને એ સારું પર્ફોર્મ કરતો હતો.’