10 October, 2025 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમી
એક સમયે ટીમ ઇન્ડિયાનો ત્રણેય ફૉર્મેટનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં સ્ક્વૉડમાં સ્થાન મેળવી રહ્યો નથી. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ૩૫ વર્ષના મોહમ્મદ શમીની ટીમમાંથી સતત અવગણના થઈ રહી છે. તે ટીમ ઇન્ડિયા વતી છેલ્લે ટેસ્ટ-ફૉર્મેટમાં જૂન ૨૦૨૩માં, T20 ફૉર્મેટમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં અને વન-ડે ફૉર્મેટમાં માર્ચ ૨૦૨૫માં રમ્યો હતો.
ટીમમાંથી બાકાત રહેવા વિશે શમી કહે છે, ‘ઑસ્ટ્રેલિયા સિરીઝ માટે સિલેક્શન ન થવા માટે લોકો મારો અભિપ્રાય જાણવા માગે છે. હું ફક્ત એટલું જ કહીશ કે સિલેક્શન મારા હાથમાં નથી. એ સિલેક્શન કમિટી, કોચ અને કૅપ્ટનનું કામ છે. જો તેમને લાગે કે મારે ટીમમાં હોવું જોઈએ તો તેઓ મને પસંદ કરશે અથવા જો તેમને લાગે કે મને થોડો વધુ સમય જોઈએ છે તો એ તેમના હાથમાં છે. હું તૈયાર છું અને પ્રૅક્ટિસ કરી રહ્યો છું.’
મોહમ્મદ શમી વધુમાં કહે છે, ‘મારી ફિટનેસ પણ સારી છે. હું સુધારો કરવાનો પ્રયાસ કરીશ, કારણ કે જ્યારે તમે મેદાનથી દૂર હો છો ત્યારે તમારે પ્રેરિત રહેવાની જરૂર છે. હું દુલીપ ટ્રોફીમાં રમ્યો હતો. હું ખૂબ જ આરામદાયક અનુભવ કરી રહ્યો હતો. મારી લય સારી હતી અને મેં લગભગ ૩૫ ઓવર બોલિંગ કરી હતી. મારી ફિટનેસમાં કોઈ સમસ્યા નથી.’
અભિમન્યુ ઈશ્વરનની કૅપ્ટન્સીમાં રમશે રણજી
૧૫ ઑક્ટોબરથી આયોજિત નવી રણજી ટ્રોફી સીઝન માટે બંગાળ ક્રિકેટે ઓપનિંગ બૅટર અભિમન્યુ ઈશ્વરનને કૅપ્ટન બનાવ્યો છે, જ્યારે અભિષેક પોરેલને વાઇસ-કૅપ્ટનની જવાબદારી મળી છે. ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમી અને આકાશ દીપને પણ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.