હોટેલની રૂમ ખાલી ન હોવાથી ભારતીય ટીમને કટક પહોંચવામાં થયો વિલંબ

18 January, 2017 03:44 AM IST  | 

હોટેલની રૂમ ખાલી ન હોવાથી ભારતીય ટીમને કટક પહોંચવામાં થયો વિલંબ



ઇંગ્લૅન્ડ સામેના વિશાળ લક્ષ્યાંકને આંબી રવિવારે પુણે વન-ડેમાં જીત મેળવનાર ભારતીય ટીમ આવતી કાલે કટકમાં બીજી વન-ડે રમવાની છે. બીજી મૅચ પહેલાં વિચિત્ર પરિસ્થિતિ થતાં ભારતીય ટીમે પુણેમાં જ રોકાવું પડ્યું હતું. બારાબતી સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ માટે ભારતીય ટીમ મંગળવારે ત્યાં પહોંચવાની હતી, પરંતુ ત્યાં હોટેલની રૂમો ઓછી હોવાથી કોહલીની ટીમ ઓડિશાના આ શહેરમાં નહીં જઈ શકી. ભારતીય ટીમ જ્યાં રોકાવાની હતી એ હોટેલની રૂમો લગ્નોને કારણે બુક હતી જે આજે ઉપલબ્ધ થઈ જશે.

ઓડિશા ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી આર્શીવાદ બેહરાએ કહ્યું હતું કે ‘ટીમ બુધવારે સવારે સાડાઅગિયાર વાગ્યે પહોંચશે અને ચાર વાગ્યાથી પ્રૅક્ટિસ કરશે. અમને એવી આશા છે કે પુણેની વન-ડેની જેમ આ મૅચ પણ સફળ થશે. હોટેલને લઈને જ્યારે આવી પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે અમે કંઈ ન કરી શકીએ. જ્યારે રૂમ ખાલી હોય ત્યારે જ બુકિંગ કરી શકીએ.’

કટકમાં છેલ્લે ૨૦૧૫ના ઑક્ટોબર મહિનામાં સાઉથ આફ્રિકા સામેની છેલ્લી T20 મૅચ રમાઈ હતી જેમાં ભારતીય ટીમ માત્ર ૯૨ રનમાં આઉટ થઈ જતાં ભારતીય દર્શકો ઘણા નારાજ થઈ ગયા હતા.

રૂટે પરિવાર માટે છોડી IPL

ઇંગ્લૅન્ડની ટીમના બૅટ્સમૅન જો રૂટે પોતાના નવજાત દીકરા સાથે સમય વિતાવવા માટે આ વર્ષે IPLમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે પાંચમી એપ્રિલથી શરૂ થનારી વિશ્વની સૌથી વધુ લોકપ્રિય T20 ક્રિકેટ લીગમાં ન રમવાના નિર્ણય વિશે વાતચીત કરતાં રૂટે કહ્યું હતું કે ‘મારા માટે આ એક બહુ જ સારી તક છે કે હું ઘરે જઈને મારા દીકરાને થોડા સમય માટે મોટો થતો જોઉં. હું જાણું છું કે IPLને કારણે મને બહુ જ સારો અનુભવ મળે છે. એના કારણે મારી રમતમાં સુધારો પણ થશે. જોકે અત્યારે હું પરિવાર સાથે સમય વિતાવવા માગું છું. અત્યારે મારી પ્રાથમિકતા ઘરમાં જ સમય વિતાવવાની છે.’